
ડીસા તાલુકાના બલોધર ગામે આવેલી પાંજરાપોળમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ઝેરી ઘાસ ખાવાને કારણે 36 જેટલી ગાયનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પશુપાલન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઝેરી ઘાસની અસર પામેલી 15થી વધુ ગાયને બચાવી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગરમીની સિઝનમાં લીલી કૂણી બાજરી ભારે બફારાના કારણે ઓથાઈ ગઈ હતી, જેના કારણે એ ઝેરી બની ગઈ હતી. આ ઘાસ ખાવાથી ગાયોને એની અસર થઈ અને એ મૃત્યુ પામી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર મહેશ ગામીના જણાવ્યા અનુસાર, સવારે ઝેરી ઘાસચારો ખાધા બાદ આ અસર થઇ હોય એવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. પશુ ચિકિત્સકો દ્વારા મૃત ગાયોનું પોસ્ટમોર્ટમ કરાયું છે. એનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. આ દરમિયાન પાંજરાપોળમાં મૃત્યુ પામેલી વૃદ્ધ ગાયોને જેસીબી મશીન દ્વારા ખાડો ખોદીને ગૌશાળામાં જ સમાધિ આપવામાં આવી છે. આ ઘટનાથી પશુપાલકો અને ગૌશાળા સંચાલકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.