
પહેલગામ આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી સરકાર અને સેનાએ ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે તે જ સમયે હવે ઇઝરાયલમાં ભારતીય રાજદૂતે ફરી એકવાર ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે.
તેમનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે આ ઓપરેશન હજી પૂરું થયું નથી. ઇઝરાયલમાં ભારતીય રાજદૂત જેપી સિંહ કહે છે કે ઓપરેશન સિંદૂર ત્યાં સુધી સમાપ્ત થશે નહીં જ્યાં સુધી પાકિસ્તાન હાફિઝ સઈદ, સાજિદ મીર, ઝકીઉર રહેમાન લખવી સહિત તમામ ભયાનક આતંકવાદીઓને ભારતને સોપશે નહી.
૨૬/૧૧ના આરોપી તહવ્વુર રાણાને અમેરિકા દ્વારા ભારતને સોપવાના ઉદાહરણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, પાકિસ્તાને હાફિઝ સઈદ, ઝાકીઉર રહેમાન લખવી અને સાજિદ મીરને પણ ભારતને સોપવા જોઈએ. અમારી પાસે પુરાવા, દસ્તાવેજો, ટેકનિકલ માહિતી શેર કરવામાં આવી છે. છતાં આ આતંકવાદીઓ મુક્તપણે ફરી રહ્યા છે.
સાજિદ મીર અને ઝાકીઉર રહેમાન લખવી બંને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી છે. સાજિદ મીર ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. પાકિસ્તાનના આતંકવાદીઓ બોટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. મીરે પોતે પાકિસ્તાનથી ફોન પર સૂચનાઓ આપી હતી. અમેરિકા અને ભારત પાસે આ સંદર્ભમાં વોઇસ રેકોડિંગ, કોલ ડેટા અને જુબાનીઓ છે. ઝાકીઉર રહેમાન લખવી લશ્કર-એ-તૈયબાનો ઓપરેશનલ ચીફ છે અને ૨૬/૧૧ના હુમલાનો મુખ્ય કાવતરાખોર છે.
જેપી સિંહે ખુલાસો કર્યો કે ૧૦ મેના રોજ પાકિસ્તાનમાં નૂર ખાન એરબેઝ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇસ્લામાબાદમાં ભય ફેલાયો હતો. તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના ડીજીએમઓએ પોતે ભારતનો સંપર્ક કર્યો હતો અને યુદ્ધવિરામની માંગણી કરી હતી.
ઓપરેશન સિંદૂરનું કારણ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું, પીડિતોને તેમના ધર્મ વિશે પૂછયા પછી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે પાકિસ્તાને સિંધુ જળ સંધિને યુદ્ધનું કળત્ય ગણાવ્યું, ત્યારે સિંહે કડક જવાબ આપ્યો, અમે પાણી વહેવા દીધું અને પાકિસ્તાન આતંક ફેલાવશે. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે – લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. જ્યાં સુધી આતંક વહે છે. ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે.
વૈશ્વિક સહયોગ વિશે વાત કરતા, જેપી સિંહે કહ્યું, ભારત અને ઇઝરાયલ જેવા દેશોએ સાથે મળીને આતંકવાદ અને આતંકવાદને ટેકો આપતા દેશો સામે ગઠબંધન બનાવવું જોઈએ પહેલગામ હુમલાની તપાસ માટે પાકિસ્તાનની ઓફરને નકારી કાઢતા, તેમણે કહ્યું, મુંબઈ, પઠાણકોટ અને પુલવામાની તપાસનું શું થયું? કંઈ નહીં. આ ફક્ત દિશાવિહીન યુક્તિઓ છે.
ઇઝરાયલી ટીવી 124 ને આપેલા ઇન્ટરવ્યુમાં, જેપી સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં આતંકવાદ સામે શરૂ કરવામાં આવ્યું હતું. રર એપ્રિલના રોજ, પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મના આધારે લોકોને ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરતા પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછયો હતો અને ૨૬ નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા.
ભારતનું ઓપરેશન આતંકવાદી જૂથો સામે હતું. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેના જવાબમાં પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ અને રહેણાંક વિસ્તારો પર હુમલો કરવાનું શરૂ કર્યું.
યુદ્ધવિરામ વિશે વાત કરતા જેપી સિંહે કહ્યું, યુદ્ધવિરામ હજુ પણ અમલમાં છે, પરંતુ અમે ઓપરેશન સિંદૂર પર પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે બંધ થઈ ગયું છે, સમાપ્ત થયું નથી. આતંકવાદ સામેની અમારી લડાઈ ચાલુ રહેશે. અમે એક નવી સામાન્ય સ્થિતિ સ્થાપિત કરી છે અને આક્રમક રીતે જવાબ આપ્યો છે. આતંકવાદીઓ જ્યાં પણ હશે, અમે તેમને મારીશું અને તેમની ઇમારતોનો નાશ પણ કરીશું. તેથી બધું હજી પૂરું થયું નથી.
સિંધુ જળ સંધિ વિશે વાત કરતા જેપી સિંહ કહે છે. સિંધુ જળ સંધિ ૧૯૬૦માં થઈ હતી. તેનો હેતુ બંને દેશો વચ્ચે મિત્રતા જાળવવાનો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એવું જોવામાં આવ્યું છે કે આપણે પાકિસ્તાનને પાણી આપીએ છીએ અને બદલામાં પાકિસ્તાન આપણા દેશમાં આતંકવાદી હુમલા કરે છે. આ અંગે લોકોમાં ઘણો ગુસ્સો હતો. આપણા વડા પ્રધાન પહેલાથી જ કહી ચૂકયા છે કે હવે પાણી અને લોહી એકસાથે વહેશે નહીં. ઓપરેશન સિંદૂર એ ભારતનું આતંકવાદ સામેનું યુદ્ધ છે
જેપી સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સિંધુ જળ સંધિ ચાલુ રાખવા માંગે છે, તો તેણે આતંકવાદનો અંત લાવવો પડશે. ઓપરેશન સિંદૂર એ ભારતનું આતંકવાદ સામેનું યુદ્ધ છે. પાકિસ્તાનમાં આતંકવાદ માટે બે મુખ્ય સંગઠનો જવાબદાર છે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા..