
દેશમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસ સતત નવા નિયમો અને કાયદાઓ લાગુ કરી રહ્યા છે. ટ્રાફિક દંડમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જેથી લોકો ટ્રાફિક નિયમોનો ભંગ ન કરે પરંતુ તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે દેશભરમાં લોકો કાયદાની અવગણના કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે.૨૦૨૪માં રૂા.૧૨૦૦૦ કરોડના ચલણ જારી થયા હતાં જેમાંથી ૯૦૦૦ કરોડની રકમ ભરપાઇ નથી થઇ. ૫૫ ટકા ચલણ ફોરવ્હીલના તો ૪૫ ટકા મેમા ટુ વ્હીલના ફાટયા હતાં.
કાર્સ ૨૪ ના તાજેતરના સર્વે રિપોર્ટ મુજબ ગયા વર્ષે ૨૦૨૪ માં દેશભરમાં ટ્રાફિક ઉલ્લંઘન દંડની રકમ ઘણા નાના દેશોના GDP કરતાં વધી ગઈ છે. આ રિપોર્ટ મુજબ ગયા વર્ષે દેશભરમાં લગભગ ૮ કરોડ ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા, જેનો કુલ દંડ લગભગ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હતો. આનો અર્થ એ છે કે રસ્તા પર ચાલતા લગભગ દરેક બીજા વાહનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછો એક વાર દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોટી દંડની રકમમાં લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા હજુ પણ બાકી છે.
આ રિપોર્ટ મુજબ, ૧૪૦ કરોડ લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં, લગભગ ૧૧ કરોડ લોકો પાસે કાર છે. આવી સ્થિતિમાં, તમે પોતે જ અનુમાન કરી શકો છો કે વસ્તીનો ખૂબ જ નાનો વર્ગ આટલી મોટી રકમ માટે જવાબદાર છે. આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ડ્રાઇવરો રસ્તા પર કેટલી જવાબદારીપૂર્વક વાહન ચલાવે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ડ્રાઇવરો માર્ગ સલામતી અને ચલણ વિશે શું વિચારે છે તે જાણવા માટે? આ માટે, આ સર્વેમાં ૧,૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
આ સર્વેમાં, એ સ્પષ્ટ થયું કે મોટાભાગના લોકો રસ્તા પર સલામતીને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ જરૂરી હોય ત્યારે જ નિયમોનું પાલન કરે છે. આ સર્વેમાં લોકોએ આપેલા જવાબો જાણીને તમને પણ આર્ય થશે ૪૩.૯% લોકો કહે છે કે તેઓ ટ્રાફિક પોલીસની હાજરીમાં જ નિયમોનું પાલન કરે છે. ૩૧.૨% લોકોએ કહ્યું કે તેઓ કયારેક તેમના ડ્રાઇવિંગમાં ફેરફાર કરતા પહેલા પોલીસની હાજરી તપાસે છે. ૧૭.૬% લોકોએ સ્વીકાર્યું કે તેઓ દંડથી બચવા માટે તેમની આસપાસની પ્રવળત્તિઓ પર સક્રિયપણે નજર રાખે છે. આ દર્શાવે છે કે ઘણા ડ્રાઇવરો રસ્તા પર ટ્રાફિક પોલીસમેન ન જુએ ત્યાં સુધી રસ્તાના નિયમોને વૈકલ્પિક માને છે.
ટ્રાફિક પોલીસને જોયા પછી ડ્રાઇવરો કેવી પ્રતિક્રિયા આપે છે?: ૫૧.૩% લોકોએ કહ્યું કે જ્યારે તેઓ રસ્તા પર પોલીસને જુએ છે ત્યારે તેઓ સૌથી પહેલા જે વસ્તુ જુએ છે તે ગતિ છે. ૩૪.૬% લોકો કોઈપણ નિયમનું ઉલ્લંઘન ન કરતા હોય તો પણ તરત જ તેમના વાહનને ધીમું કરે છે. ૧૨.૯% લોકોએ સ્વીકાર્યું કે તેઓ પકડાઈ ન જાય તે માટે તેમની ડ્રાઇવિંગ શૈલી બદલી નાખે છે. આ આંકડા એ હકીકતનો પુરાવો છે કે ડ્રાઇવરો આદતથી નહીં પરંતુ ડરથી નિયમોનું પાલન કરી રહ્યા છે.
તમે કેમેરાની દેખરેખ હેઠળ છો આવી પરિસ્થિતિમાં ડ્રાઇવરો શું કરે છે? : ૪૭% લોકો દાવો કરે છે કે સીસીટીવી કેમેરા હોવા છતાં તેઓ એ જ રીતે વાહન ચલાવે છે. ૩૬.૮% લોકોએ સ્વીકાર્યું કે તેઓ કેમેરા જુએ ત્યારે જ ધીમે ધીમે વાહન ચલાવે છે. ૧૫.૩% લોકોએ કહ્યું કે તેઓ કેમેરાને કારણે જ ગતિ ઓછી કરે છે અને અન્યની અવગણના કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટ્રાફિક વ્યવસ્થાને ફક્ત ટેકનોલોજીની દયા પર છોડી શકાતી નથી. લોકો આ માટે ઘણા રસ્તાઓ પણ શોધે છે.
ભારતમાં આ નિયમોનું સૌથી વધુ ઉલ્લંઘન થાય છે : ટકામાં ગુનાના કેસો જેમાં, ઓવરસ્પીડિંગ ૪૯%, હેલ્મેટ/સીટબેલ્ટ ૧૯%, ખોટી પૉકિંગ ૧૪% અને સિગ્નલ જમ્પિંગ/ખોટી દિશામાં વાહન ચલાવવું ૧૮% ટકા જેટલા ગુનાના કેસો નોધાયા છે.
આ રિપોર્ટમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કેટલાક અનોખા ઉદાહરણોનો પણ ઉલ્લેખ છે જેમાં, હરિયાણા, બેંગલુરું, ગુરુગ્રામ અને નોઇડા પોલીસે અજીબો કેસ નોધ્યા છે જેમાં, હરિયાણામાં એક ટ્રક ઓપરેટરને ૧૮ ટનથી વધુ માલ લોડ કરવા બદલ ૨.૦૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બેંગલુરુમાં એક ટુ-વ્હીલર ચાલકને ૪૭૫ અલગ અલગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૨.૯૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુરુગ્રામમાં, અધિકારીઓએ દરરોજ ૪,૫૦૦ થી વધુ ચલણ જારી કર્યા હતા. જેના કારણે દરરોજ લગભગ ૧૦ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નોઈડા ટ્રાફિક પોલીસે એક મહિનામાં હેલ્મેટ સંબંધિત 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ સર્વે રિપોર્ટમાં લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કેમ કરે છે તેના કારણો પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. સર્વે મુજબ, વારંવાર ટ્રાફિક ઉલ્લંઘન પાછળ ત્રણ મુખ્ય માનસિક કારણો બહાર આવ્યા છે, જેમાં શામેલ છે ૧- ઘણા ડ્રાઇવરો માને છે કે દંડ એ અવરોધક નહીં પણ નાની અસુવિધા છે. ૨- લગભગ ૬૦.૩% લોકો કહે છે કે તેઓ પહેલાથી જ નિયમોનું પાલન કરી રહ્યા છે, પરંતુ ૨૦.૪% લોકોએ સ્વીકાર્યું કે દંડ બમણો થાય તો પણ તેઓ જોખમ લે છે. ૩- લગભગ ૧૪.૨% લોકો ચલણથી બચવા માટે ટ્રાફિક પોલીસ સાથે વાટાઘાટો કરે છે. આ સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર અને અનૌપચારિક કરારો હજુ પણ સૌથી સરળ માર્ગો છે.
રિપોર્ટ લાંચ વિશે શું કહે છે? આ રિપોર્ટ એ પણ સ્પષ્ટ કરે છે કે મોટાભાગના લોકો હજુ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાઈ જવા પર ચલણથી બચવા અથવા દંડ ભરવા માટે મધ્યમ માર્ગ અપનાવે છે. આ માટે, તેઓ સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ સાથે વાટાઘાટો કરે છે અથવા તેમને લાંચ આપવાનો પ્રયાસ કરે છે.
રિપોર્ટ મુજબ- ૩૮.૫% લોકોએ સ્વીકાર્યું કે તેમણે એક કે બે વાર લાંચ આપી છે. ૧૫.૯% લોકો કહે છે કે તેઓ વારંવાર આવું કરે છે. ૨૯.૨% લોકો હંમેશા દંડ યોગ્ય રીતે ચૂકવવાનો દાવો કરે છે. ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર – કોણ વધુ નિયમો તોડે છે?
આ રિપોર્ટ જણાવે છે કે, ૫૫% નિયમોનું ઉલ્લંઘન ફોર-વ્હીલર ચાલકો દ્વારા થાય છે. તે જ સમયે, લગભગ ૪૫% નિયમોનું ઉલ્લંઘન ટુ-વ્હીલર ચાલકો દ્વારા થાય છે. ચલણનો હેતુ અસુરક્ષિત ડ્રાઇવિંગ અટકાવવાનો છે. પરંતુ જ્યારે ૨૦૨૪ માં જારી કરાયેલા ૧૨,૦૦૦ કરોડ દંડમાંથી ૭૫% ચૂકવવામાં આવતા નથી, ત્યારે તે ટ્રાફિક કાયદાઓને આપણે કેવી રીતે જોઈએ છીએ તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ ફક્ત નિયમો બનાવતી કાયદા અમલીકરણ એજન્સીઓની ખામીઓને જ પ્રકાશિત કરતું નથી, પરંતુ સામાન્ય લોકોની જાહેર જવાબદારીમાં મોટો તફાવત પણ દર્શાવે છે.
વિશ્વમાં સૌથી ઓછો GDP ધરાવતા કેટલાક દેશો:
દેશનો GDP (ભારતીય રૂપિયામાં)
વનુઆતુ ૯૫૬૮ કરોડ
સમાઓ ૮૦૧૩ કરોડ
ડોમિનિકા ૫.૫૭૮ કરોડ
પલાઉ ૨.૪૦૦ કરોડ
કિરીબાતી ૨,૩૮૩ કરોડ.