
ગાંધીનગર તાલુકાના કલોલ શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કર્મચારી એક સો રૂપિયાની લાચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. પીએમજેવાય અને આયુષ્યમાન કાર્ડ કઢાવવા ઓપરેટર દ્વારા નાગરિકોને હેરાન કરવામાં આવતા હતા. જેની ફરિયાદ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન કરવામાં આવતા પોલીસ દ્વારા આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ઓપરેટરને રંગે હાથ ઝડપી લીધો હતો. કલોલ શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર યસ બકુલભાઈ ભાવસાર દ્વારા પીએમ જેવાય અને આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવનાર નાગરિકોને એનકેન પ્રકારે પૈસા પડાવવા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે અને સો રૂપિયા થી લઈને 1000 રૂપિયા સુધી પડાવી રહ્યા છે. આ બાબતની ફરિયાદ ગાંધીનગર એસીબીને કરવામાં આવી હતી. ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા આજે મંગળવારે બપોરના સમય ડીકોઈ ગોઠવવામાં આવી હતી. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર યસ ભાવસારને 100 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. કલોલ હોસ્પિટલમાં એસીબી ની રેડ માં ઓપરેટર ઝડપાઈ ગયો હોવાની માહિતી ફેલાતા લાચીયા કર્મચારીઓમાં ફાટ ફેલાઈ ગયો હતો.