
રાજ્યમાં સરકારી નોકરીનુ ચલણ વધી રહ્યુ છે. લોકો રૂપિયા આપીને પણ સરકારી નોકરી મેળવવા ધમપછાડા કરતા હોય છે. ત્યારે ગાંધીનગર સહિત રાજ્યમાં ધુતારાઓ નોકરીવાંચ્છુઓને છેતરવા ફરતા હોય છે. અમદાવાદમાં રહેતા નિવૃત શિક્ષકને એક ધુતારો બસમાં મળી ગયો હતો. વાતચીત થતા નોકરીનુ સેટીંગ કરાવી આપુ છુ કહેતા નિવૃત શિક્ષક વાતોમાં આવી ગયા હતા અને તેમના સગાને સરકારી નોકરી અપાવવા રૂપિયા ૧૪ લાખ આપી દીધા હતા. જ્યારે નોકરીના ઓર્ડર નહિ મળતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ અરવિંદભાઇ પિતાંબરભાઇ જાેશી (રહે, ખોખરા, અમદાવાદ. મૂળ, વઢવાણ) સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એક વર્ષ પહેલા ગાંધીનગર એસટી ડેપોમાં બસની રાહ જાેતા હતા અને બસ આવતા બેસી ગયા હતા. ત્યારે તેમની સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરતા વનરાજસિંહ હઠીસિંહ રાઠોડ (રહે, કમળાદ, મૂળી, હાલ રહે, પ્લાટ નંબર ૧૦૫૮-૨, સેક્ટર ૩) સરકારી નોકરીનુ સેટીંગ કરવાનુ કામ કરે છે, તેમ કહ્યુ હતુ. જેમાં ગાંધીનગર મહાપાલિકા, સેનેટરી ઇન્સ્પેક્ટર, સચિવાલય ક્લાર્ક સહિતની નોકરીનુ સેટીંગ કરુ છુ, તમારે કોઇ ઓળખિતા હોય તો કહેજાે, હુ કામ કરી આપીશ. એક વ્યક્તિના ૬ લાખ રૂપિયા આપવા પડશે, જેમાં પહેલા ૩ લાખ રોકડા આપવા પડશે તેવી વાત કરી હતી. જેથી નિવૃત શિક્ષકે તેમના સગા સબંધીને વાત કરતા ૫ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને તેમની નોકરીનુ સેટીંગ કરવાની વાત કરી હતી. સગા સબંધીઓ રૂપિયા આપી નોકરી લેવાની તૈયારી બતાવતા તેમને રૂપિયા સાથે ઇન્ફોસિટી કેમ્પસમાં જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બોલાવ્યા હતા. તે સમયે વનરાજસિંહ તેનુ બાઇક નંબર જીજે ૧૮ ડીએફ ૨૩૬૧ લઇને આવ્યો હતો. જ્યારે રૂપિયા લઇ લીધા બાદ પરિણામ જાહેર થતા રૂપિયા આપનાર એક પણ ઉમેદવારનુ નામ લીસ્ટમાં ન હતુ. જેથી ફોન કરતા તમારૂ કામ થઇ જશે, તેવા ઠાલા વચનો આપવામાં આવતા હતા. જ્યારે રૂપિયાની અવાર નવાર માંગણી કરતા કહેતો હતો કે, મારા મોટા સાહેબ મને ચેક આપવાના છે આવી જાય પછી તમને રૂપિયા આપી દઇશ, છતા નાણાં પરત નહિ મળતા આખરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો