રાયપુરમાંથી ૨ લાખની કિંમતના કેબલ ચોરનારા ૪ આરોપી પકડાયા

Spread the love

 

 

 

ગાંધીનગર તાલુકાના રાયપુર ગામની સીમમાં યુજીવીસીએલ દ્વારા મુકવામાં આવેલા ૨ લાખની કિંમતના કેબલ વાયરની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. કેબલ વાયરની ચોરી કરનાર ૪ આરોપીઓને પોલીસે લીંબડીયા પાસેથી પકડી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કેબલ સહિત ૧૦.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમ દ્વારા ગુનાખોરી અટકાવવા માટે પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતુ. ત્યારે આશિષકુમાર ધીરુભાઇને બાતમી મળી હતી કે, એક સફેદ કલરના ડાલુ નંબર જીજે ૦૨ એટી ૮૫૧૩માં ચોરીનો સામાન લઇ જવામાં આવી રહ્યો છે, જેથી પોલીસની ટીમ બાતમી મુજબ લીંબડીયા પાસે પહોંચી ગઇ હતી અને વોચ ગોઠવી દીધી હતી. જ્યારે બાતમી મુજબનુ ડાલુ આવતા તેને રોકવામાં આવ્યુ હતુ. જે ડાલામાં ચાર લોકો બેઠેલા હતા, જેમાં વિનશ વિપુલભાઇ ભવાણી (રહે, સરીતા ગેલેક્ષી, નરોડા, મૂળ, વડેરા, અમરેલી), પ્રકાશ અરવિંદભાઇ સલાટ (રહે, રાવજીનગર,થોળ કડી), જગદીશ પ્રકાશ યોગી (રહે, ઓમ શાંતિ રેસીડેન્સી, નિકોલ, અમદાવાદ. મૂળ, રેહ, દીમતા, ભીલવાડા, રાજસ્થાન) અને વિજય મહેન્દ્રભાઇ સલાટ (રહે, કડી. મૂળ, ખરણા, ગોઝારીયા, મહેસાણા)ને પકડ્યા હતા અને ડાલામાં ભરવામાં આવેલા સામાન બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ હતુ કે, ડાલામાં ભરવામાં આવેલા સામાન ચોરીનો છે. જેથી પોલીસે સામાન ક્યાથી ચોરી કરવામાં આવ્યો હોવાનુ પૂછતા સામે આવ્યુ હતુ કે, અંકિત ચોવટીયા (રહે, નિકોલ) દ્વારા કેબલ વાયરની ચોરી કરવાનુ નક્કી કર્યુ હતુ. અરવિંદ સલાટનુ ડાલુ લઇને દહેગામ નરોડા રોડ ઉપર આવ્યા હતા અને એક દુકાન આગળ પડેલુ વાયર સાથેનુ ડ્રમ લઇને નરોડા ગયા હતા, જ્યાં વાયર ડાલામાં ભરી જઇ વાયરનુ કટીંગ કરી અલગ અલગ કોથળીઓમાં ભરવામાં આવ્યા હતા અને તેને વેચાણ સારુ લઇને નિકળ્યા હતા. તે દરમિયાન પોલીસે આરોપીઓ અને મુદ્દામાલ પકડી લીધો હતો. જેથી પોલીસે આરોપીઓ સહિત ૧૦.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *