અમદાવાદ
ગુજરાતમાં કોર્પોરેટ અને ઔધોગિક એકમોમાં હવે સાંજના 7 વાગ્યા પછી અને સવારના 6 વાગ્યા પહેલા અર્થાત રાત્રિ દરમિયાન પણ મહિલા શ્રમિકોને નોકરી કરવાની સ્વતંત્રતા મળી શકશે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે શુક્રવારે એક પરિપત્ર પ્રસિધ્ધ કરીને કારખાના ધારા- 1948ની કલમ 66 (1)(બી) હેઠળ સ્ત્રી શ્રમયોગીઓને રાત્રિ પાળીમાં કામે રાખવા અંગે સંબંધિત ઔદ્યોગિક, કોર્પોરેટ એકમોને ના વાંધા પ્રમાણપત્ર-NOC આપવા કલેક્ટરોને આદેશ કર્યો છે. મહત્ત્વનું છે કે, આ આદેશથી ગુજરાતમાં પણ દિલ્હી-મુંબઈ અને દક્ષિણ ભારતના રાજ્યોની જેમ ઔધોગિક અને કોર્પોરેટ એકમોમાં બીજી અને ત્રીજી પાળીમાં મહિલાઓને કામ કરવાની છુટ મળશે.
ઉલ્લેખનીય છે કે, જે એમો રાત્રી દરમિયાન મહિલા શ્રમિકોની પાસેથી કામ લેશે તેમણે સુરક્ષા અને સુવિધા હેઠળ ઘરેથી કંપની સુધી વાહન સેવા અર્થાત સલામતી સાથે ટ્રાન્સ્પોર્ટેશન આપવું પડશે. શ્રમ અને રોજગાર વિભાગના પરિપત્રમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, મહિલા શ્રમયોગીઓને બીજી અને ત્રીજી પાળીમાં કંપનીમાં કામ કરવા અંગે સરકાર રાજપત્ર (ગેઝેટ) પ્રસિધ્ધ કરીને જે તે વિસ્તાર કે ક્ષેત્ર આધારિત જાહેરનામું બહાર પાડીને મંજૂરી આપી શકે છે. આથી, અમદાવાદ સહિતના અનેકવિધ શહેરોમાં ઔધોગિક ક્ષેત્રોમાં આગામી સમયમાં ગેઝેટ પ્રસિદ્ધ થશે.
