
મધ્યપ્રદેશના મહૂની ભારત હોસ્પિટલમાં શનિવારે એક દુખદ ઘટના બની છે. અહીં હોસ્પિટલના ટોયલેટમાં એક નવજાત બાળકીનો મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવ્યો, જેને કુતરા ખાઈ રહ્યા હતા. સૌથી કરુણ વાત એ છે કે બાળકીનું અડધું શરીર ગાયબ હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાહુલ શર્માએ જણાવ્યું કે, મોડી રાત્રે લગભગ અઢી કલાકે એક અજાણી યુવતિએ હોસ્પિટલના ટોયલેટમાં બાળકીને જન્મ આપ્યો અને પછી એ કોઈને કહ્યા વિના નવજાત બાળકીને છોડીને જતી રહી હતી. દર્દીઓના પરિવારજનો શનિવારે સવારે ટોયલેટ તરફ ગયા, તો તેમણે જોયું કે ત્યાં કુતરા કશુંક ખાઈ રહ્યા છે. નજીક જઈને જોયું તો એક નવજાત બાળકીનો મૃતદેહ હતો. આ જોઈને લોકો ગભરાઈ ગયા અને પછી તરત જ હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. હોસ્પિટલના પ્રભારી ડો. એચ.આર.વર્માએ જણાવ્યું કે, જ્યારે મૃતદેહ જોયો તો બાળકીના શરીરનો ઉપરનો ભાગ ગાયબ હતો. એવું લાગે છે કે એ ભાગ કુતરા ખાઈ ગયા છે. આ ઘટના પછી હોસ્પિટલના પરિસરમાં હડકંપ મચી ગયો હતો. મહિલા વોર્ડની સ્ટાફ નર્સે સૌથી પહેલા કુતરાઓને ભગાડયા અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. હાલ પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે, જેથી ખ્યાલ આવી શકે કે બાળકીને જન્મ આપનારી અજાણી મહિલા કોણ હતી? ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં કુતરાઓના ત્રાસને લઈને વારંવાર ફરિયાદ થઈ છે. જોકે, પરિસરમાં કુતરા રખડતા હોવાથી દર્દીઓના પરિવારજનો પણ ત્રાસી ગયા છે. બીજી તરફ હોસ્પિટલના ટોયલેટમાં બાળકીના જન્મને લઈને ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે.