
ઘણીવાર એવું બને છે કે એમ્બ્યુલન્સનું વારંવાર સાયરને કે હોર્ન વાગે છે, પરંતુ લોકો એમ્બ્યુલન્સને રસ્તો આપતા નથી. પરંતુ એમ્બ્યુલન્સને રસ્તો નહીં આપવા પર ભારે દંડ ભરવો પડી શકે છે. હિમાચલપ્રદેશના લાહુલ સ્પિતિમાં ટેમ્પો ટ્રાવેલર અને ફોર્ચ્યુનર પર એમ્બ્યુલન્સને રસ્તો નહીં આપવા પર રૂપિયા 66000નો દંડ લગાવવામાં આવ્યો છે.
આ મામલો ગુરુવારે રાત્રે હુર્લિંગ વિસ્તારનો છે. જ્યારે એમ્બ્યુલન્સ એક ગંભીર દર્દીને લઈને કાજાથી રિકાંગપિઓ જઈ રહી હતી. દર્દીને કોઈ પણ સંજોગમાં જલદી હોસ્પિટલમાં પહોંચાડવો જરુરી હતી. એવામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સતત હોર્ન વગાડીને સાઈડ માંગવાની કોશિશ કરી, પરંતુ પ્રવાસી નશામાં હતા અને સાઈડ આપતા ન હતા. છેવટે આ પોલીસે આ પ્રવાસી વાહનોની સામે આકરી કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું હતું. હિમાચલપ્રદેશની પોલીસે નંબરના આધારે ટેમ્પો ટ્રાવેલર અને ફોર્ચ્યુનરને રૂપિયા 66000નો દંડ ફટકાર્યો છે.
નિયમ પ્રમાણે જો તમે એમ્બ્યુલન્સને રસ્તો આપતા નથી તો ભારે દંડ ભરવો પડી શકે છે. હવે તો મોટાભાગની જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાઓની મદદથી આરોપીની ઓળખ કરવી પણ સહેલી છે. નિયમ પ્રમાણે એમ્બ્યુલન્સને સાઈડ ન આપવા પર રૂપિયા 10 હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 196ઈ અંતર્ગત પોલીસને એમ્બ્યુલન્સનો રસ્તો રોકનાર કોઈ પણ વાહન પર રૂપિયા 10 હજારો દંડ લગાવવાનો અધિકાર છે.