
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી સરકાર હેઠળ ભારતે છેલ્લાં એક દાયકામાં દારુણ ગરીબીના પ્રમાણમાં મોટો ઘટાડો કરવામાં મોટી સિદ્ધિ મેળવી છે. 2011-12માં ભારતમાં દારુણ ગરીબીનો દર 27.1 ટકા હતો, જે 2022-23માં ઘટી 5.3 ટકા થયો હતો. આમ દેશમાં આશરે એક દાયકામાં 26.9 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, એમ વર્લ્ડ બેન્કના તાજેતરના ડેટામાં જણાવાયું હતું.
વર્લ્ડ બેન્કના ડેટા મુજબ 2011-12માં ભારતમાં 34.47 કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવતા હતા. આ સંખ્યા 2022-23માં ઘટીને 7.52 કરોડ થઈ હતી. આનો અર્થ એ થાય છે કે લગભગ 11 વર્ષમાં 26.9 કરોડ વ્યક્તિઓને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છેં. 2011-12માં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં ભારતના કુલમાંથી આશરે 65 ટકા ગરીબો રહેતા હતાં. આ રાજ્યોમાં ગરીબીમાં હવે મોટો ઘટાડો થયો છે. દેશની કુલ ગરીબી ઘટાડામાં આ રાજ્યોનો ફાળો આશરે 66 ટકા રહ્યો હતો.
વર્લ્ડબેન્કે ગરીબીનું મૂલ્યાંકન પ્રતિ દિવસ ત્રણ ડોલર (2021ના ભાવ)ના આધારે કર્યું હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં તેમાં વ્યાપક ઘટાડાનો સંકેત અપાયો હતો. વર્લ્ડ બેન્કના અંદાજ મુજબ અગાઉની દૈનિક 2.15 ડોલર (2017ના ભાવ)ની આવક ધરાવતા લોકોને અત્યંત ગરીબ માનવામાં આવતાં હતાં. આ આધારે અત્યંત ગરીબીમાં જીવતા ભારતીયોનું પ્રમાણ 2.3 ટકા છે, જે 2011-12ના 16.2 ટકા કરતાં મોટો ઘટાડો દર્શાવે છે.
તાજેતરના ડેટા મુજબ 2022માં 2.15 ડોલર-પ્રતિદિન ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 3.36 કરોડ નોંધાઈ છે, જે 2011માં 20.59 કરોડ કરોડ હતી. આ તીવ્ર ઘટાડો સાર્વત્રિક જોવા મળ્યો છે. છેલ્લા 11 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી 18.4 ટકાથી ઘટી 2.8 ટકા અને શહેરી વિસ્તારમાં ગરીબી 10.7 ટકાથી ઘટી 1.1 ટકા થઈ છે. આ ઉપરાંત ભારતે બહુપરીમાણીય એટલે કે મલ્ટિડાઇમેન્શનલ ગરીબી ઘટાડવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે.કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર 11 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે પીએમ મોદીએ કેન્દ્ર દ્વારા ગરીબીમાંથી લોકોને બહાર કાઢવા માટે લેવામાં આવેલા પથદર્શક પગલાં તથા સશક્તિકરણ, માળખાગત સુવિધાઓ અને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી પહેલોએ આવાસ, સ્વચ્છ રસોઈ ઇંધણ, બેંકિંગ અને આરોગ્યસંભાળ સુવિધાના વ્યાપમાં વધારો થયો છે.