દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને ₹3,00,000 લાખની લાંચ માંગ્યા બાદ ₹1.10 લાખમાં લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો,
‘તારો પતિ દારૂના કેસમાં વોન્ટેડ છે’:ચીલોડા પોલીસના કોન્સ્ટેબલે દમદાટી મારીને 3 લાખ માગ્યા,
1.10 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો

GJ-18ના ચીલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા પકડી પાડ્યો છે. કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને 3 લાખની માંગ કરી હતી. જોકે, ચર્ચા બાદ 1.10 લાખ નક્કી થયા હતા. જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની વિગતે વાત કરીએ તો આ કેસમાં સર્વેલન્સ સ્કવોર્ડના માણસો ફરિયાદીના પતિને પકડવા તેમના ઘરે ગયા હતા. તેમણે દારૂના કેસમાં મહિલાના પતિને વોન્ટેડ બતાવ્યો હતો. ફરિયાદી તેમના વકીલ મિત્ર સાથે ચીલોડા પોલીસ સ્ટેશન ગયા હતા. તેઓ પ્રોહિબિશનના ગુનાની તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીને મળ્યા હતા. ફરિયાદીએ પોતાના પતિનું નામ ખોટી રીતે દાખલ કરાયું હોવાની વાત કરી હતી. તેમણે પતિને હેરાન ન કરવાની વિનંતી કરી હતી. હેડ કોન્સ્ટેબલે આરોપી યુવરાજસિંહને મળવાનું કહ્યું હતું. યુવરાજસિંહે પ્રથમ 3 લાખની માગણી કરી હતી. લાંબી ચર્ચા બાદ રકમ 1.10 લાખ નક્કી થઈ હતી. ફરિયાદીએ લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો. 9 જૂન 2025ના રોજ ચીલોડા પોલીસ સ્ટેશનની સામે ACBએ ટ્રેપ ગોઠવી હતી. આરોપી કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાયો હતો. આ કાર્યવાહી ACB ફિલ્ડ-3 (ઈન્ટે) અમદાવાદના પોલીસ ઈન્સપેક્ટર એસ.એન. બારોટના નેતૃત્વમાં થઈ હતી. તેમને પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. મહેતાનો સહયોગ મળ્યો હતો.