
ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના કારણે દેશના અનેક રાજ્યોમાં વીજળીની માંગ વધી છે. સોમવારે દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી હતી. આ દિવસે પીક અવરમાં વીજળીની માંગ 2.41 લાખ મેગાવોટ પહોંચી હતી. તેમ છતાં દેશના કોઈ રાજ્યમાં વીજળીનો પુરવઠો ખોરવાયો નહોતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશમાં વીજળીના પુરવઠા અને માંગ વચ્ચે માત્ર 0.1 ટકાનું અંતર છે. 12 વર્ષ પહેલા વર્ષ 2013માં માંગ અને પુરવઠા વચ્ચે 4.2 ટકાનું અંતર હતું. વીજળીની પીક અવર માંગ 2.70 લાખ મેગાવોટ થઈ જાય ત્યારે પણ પૂરી કરી શકાશે. સૂત્રોના કહેવા પ્રમાણે, ભારત વીજળીનો એક મુખ્ય નિકાસકર્તા દેશ બનશે.
દેશમાં વીજળીની માંગ ગત વર્ષના ઉચ્ચતમ સ્તર 2.50 લાખ મેગાવોટ પર નથી પહોંચી. આ પાછળનું કારણ મે મહિનામાં અપેક્ષાથી ઓછી ગરમી પડી હતી. કેન્દ્રીય વીજળી આયોગના અંદાજ મુજબ, વીજળીની માંગ આ વર્ષે 2.70 લાખ મેગાવોટને સ્પર્શી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં દેશમાં વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. દેશમાં વીજળી ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા 4.72 લાખ મેગાવોટ છે, જેમાં 2.40 લાખ મેગાવોટ કોલસા આધારિત છે. જ્યારે 2.22 લાખ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા રિન્યુએબલ એનર્જી સેક્ટરની છે.