
રાધનપુરથી અમદાવાદ જતી એસટી બસમાં એક IT કર્મચારીના બે લેપટોપની ચોરી થઈ છે. ગાંધીનગરના ઇન્ફોસીટી સ્થિત ઇન્ટેક ક્રીએટીવ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી રજનીકાન્ત પંચાલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રજનીકાન્તે રાધનપુરથી અડાલજ સુધીની ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી. તેઓ નડાબેટ-અમદાવાદ રૂટની બસ નંબર GJ-18-Z-9617માં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે બે લેપટોપ ધરાવતી બેગ સીટ ઉપરના લગેજ વિભાગમાં મૂકી હતી. બેગમાં બે લેપટોપ હતા. એક ડેલ બ્રાન્ડનું લેપટોપ તેમની અગાઉની કંપની બ્રેનવાયર ઇન્ફોટેકનું હતું. બીજું ASUS લેપટોપ તેમણે મે 2022માં ખરીદ્યું હતું. બંને લેપટોપની કુલ કિંમત રૂ. 25 હજાર છે. બસ જ્યારે મહેસાણા-મોઢેરા બસ સ્ટેન્ડ પર રોકાઈ, ત્યારે રજનીકાન્ત પેશાબ કરવા ગયા હતા. સવારે લગભગ 10 વાગ્યે અડાલજ પીકઅપ સ્ટેન્ડ પર ઉતરતી વખતે તેમણે જોયું કે બેગ ગાયબ હતી. કંડક્ટરે જણાવ્યું કે કોઈ મુસાફરને બેગ લઈને ઉતરતા જોયા નથી. બસમાં શોધખોળ કરવા છતાં બેગ મળી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.