
ભુજ શહેરના એસટી બસ પોર્ટ નજીક બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની. એક વ્યક્તિ દાબેલી ખાવા માટે નાસ્તાની દુકાને આવ્યો હતો. તેણે પોતાની પાવરબેંક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ચાર્જિંગમાં મૂકી હતી. ચાર્જિંગ દરમિયાન પાવરબેંકમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટના કારણે વાહનમાં આગ ફેલાઈ ગઈ. આગના કારણે આસપાસમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. એક તરફનો માર્ગ દેખાતો બંધ થઈ ગયો હતો. આગના કારણે નજીકની ખાણીપીણીની દુકાનોમાં અને પસાર થતા લોકોમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી. આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી.