
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની આજે 14 જુલાઈના રોજ મળેલી બોર્ડ બેઠકમાં ઔડા દ્વારા સાણંદ તથા ઘુમામાં નવી કનેક્ટિવિટી બનાવવા તથા ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રોડ બનાવવો ફરજિયાત છે. જેથી રૂમાંથી બોધાવી અનેદ્રાડ થઈને સાણંદ સુધીનો એગ્રીકલ્ચર ઝોનનો હેતુ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. 196 હેક્ટર જમીનનો હેતુફેર કરવામાં આવ્યો છે. જેથી હવે આ રોડ પર ડીપીનું અમલીકરણ થઈ શકશે.
અમદાવાદથી સરખેજ થઈને સાણંદ-વિરમગામ જવા માટે ટ્રાફિક વધુ હોય છે જેથી એસ. જી. હાઇ-વેના કણાર્વતી કલબથી સાણંદ-વિરમગામ હાઈવેને જોડતો ગોધાવી, કાણેટી, નિધરાડ થઈને સાણંદ જઈ શકાય છે. આ વિસ્તારમાં 45 મીટર પહોળાઈનો અંદાજિત 15 કિ.મી. લંબાઈનો રસ્તાનો ગોધાવી તથા નિધરાડમાંથી પસાર થતો અંદાજિત 550 મીટર લંબાઈનો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત છે. ઘુમાથી લઈને મણીપુર, પલોડીયા, શીલજ, રાચરડા વગેરે ગામોને જોડતો 45 મી.નો સૂચિત અગત્યનો ડી.પી. રસ્તો છે. રેલ્વે દ્વારા આ રસ્તા ઉપર 4 4-લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. ઘુમા પછીનો વિસ્તાર એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત હોવાથી 45 મીટર સૂચિત ડી.પી. રોડનું અમલીકરણ થઈ શકતું નથી
આ બંને રસ્તાઓનું અમલીકરણ ટી.પી. સ્કીમ મારફતે થઇ શકે તે હેતુથી ગોધાવી તથા નિધરાડના રસ્તાની આજુબાજુની અંદાજિત 116 હેક્ટર જમીનોને અને ઘુમા પછીના વિસ્તારની અંદાજીત 80 હેકટર જમીનોને ઝોન-ફેર કરવા બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ આ બંને રસ્તાઓની કામગીરી હાથ પર લેવામાં આવશે. આ પગલાંથી એસ. જી. હાઇ-વેથી સાણંદ સુધી તથા ઘુમાથી રાંચરડા સુધીની નવી કનેક્ટિવિટી બનશે તથા આ બંને માર્ગ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને નાગરિકોની સુવિધામાં વધારો થશે.
ઔડા દ્વારા અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવાના પ્રયાસોના ભાગરૂપે મોજે સાણંદ ટીપી સ્કીમ નં. 1નો અંતિમખંડ નં.513 તથા ટીપી સ્કીમ નં.5નાં અંતિમ ખંડ નં.578ની જમીન સાણંદ નગરપાલિકાને ગાર્ડન ડેવલોપ કરી પ્લાન્ટેશન કરવા માટે NOC આપવામાં આવી છે. આ મંજૂરી દ્વારા સાણંદના રહીશોને ગાર્ડનની સુવિધાનો લાભ પ્રાપ્ત થશે અને પ્રદુષણ ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાત કલોલ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી તથા પંમ્પીંગ સ્ટેશન બનાવવા માટે ઔડા દ્વારા કલોલ ખાતે તૈયાર કરવામાં આવેલી ડ્રાફટ ટી.પી. સ્કીમોમાં સત્તામંડળને ફાળવેલ પ્લોટોનો હેતુફેર કરવાની બાબત મંજુર કરવામાં આવી છે.
જેથી ટી.પી. સ્કીમ નં.3(કલોલ-સઇજ-આરસોડીયા), ટી.પી. સ્કીમ નં.5 (કલોલ-ઓળા- 10 બોરીસણા) અને ટી.પી. સ્કીમ નં.6(કલોલ-સઇજ-બોરીસણા)માં પાણીની ટાંકી તથા પંમ્પીંગ સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવવા બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પાણીની ટાંકી તથા પમ્પીંગ સ્ટેશન બનવાથી કલોલના રહીશોની સુવિધામાં વધારો થશે.