કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખે. કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્થિતિ સામાન્ય જણાતી હોય તો હોમ આઇસોલેશનમાં રહીને સંજીવની રથ દ્વારા આપવામાં આવતી સારવાર મેળવવા નાયબ મુખ્યમંત્રીશ્રી એ અપીલ કરી હતી.નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટની હોસ્પિટલમાં ર્નિમણાધીન હોસ્ટેલમાં ઉભી કરાયેલ નવીન કોવિડ પથારીઓનું નિરીક્ષણ કર્યુ હતુ. રાજ્યભરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઓક્સિજનની સુવિધા ધરાવતી પથારી પર મેળવવી પડતી સારવારની જરૂરિયાતને વહેલી તકે સંતોષવા નાયબ મુખ્યમંત્રી શ્રી એ યુ.એન. મહેતા હોસ્ટેલમાં ૧૬૦ ઓક્સિજનની પથારી ધરાવતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચન કર્યું હતુ. જેને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ દ્વારા પી.આઇ.યુ. ના સહયોગથી ખૂબ જ ટૂંકા ગાળામાં કાર્યરત કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.