ટેસ્લાની ઓટો ડ્રાઈવ કારના અકસ્માતના એક કેસમાં ઇલોન મસ્કની કંપનીને ૨૪૩ મિલિયન ડોલર (લગભગ ₹૨,૧૦૦ કરોડ) નું વળતર ચૂકવવું પડશે. ફ્લોરિડાની મિયામી કોર્ટે ૪ વર્ષ સુધી ચાલેલા ટ્રાયલમાં કંપનીને પણ જવાબદાર ઠેરવીને આ આદેશ આપ્યો છે.
આ મામલો ૨૦૧૯નો છે, જ્યારે ફ્લોરિડાના લાર્ગોમાં ટેસ્લાની ઓટોપાયલટ સિસ્ટમવાળી ગાડીથી અકસ્માત થયો હતો. સિસ્ટમમાં ખામીને કારણે ટેસ્લા મોડલ S સેડાને એક SUV ને ટક્કર મારી હતી.
આ દુર્ઘટનામાં ૨૨ વર્ષીય નાયબેલ બેનાવાઈડ્સનું મૃત્યુ થયું હતું અને તેનો બોયફ્રેન્ડ ડિલન એન્ગુલો ગંભીર રીતે ઘાયલ થયો હતો.
કંપનીની દલીલ નામંજૂર
આ કેસમાં કંપનીએ દલીલ કરી હતી કે અકસ્માત સમયે ડ્રાઈવર ફોન ચલાવવામાં વ્યસ્ત હતો. જોકે, કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી. કોર્ટે જણાવ્યું કે ટેસ્લાની સિસ્ટમ ખામીયુક્ત હતી અને અકસ્માતની જવાબદારી માત્ર ડ્રાઈવરની નહોતી.