
ડિલિવરી માટે 108 ઇમરજન્સીમાં પ્રસૂતાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જતા પાંચેક કિમી દૂર અસહ્ય દુ:ખાવો ઉપડતા કર્મચારીઓએ સફળ ડિલિવરી કરાવી છે. નવજાત બાળકના ગળામાં નાળ વિંટળાયેલી હોવા છતાં ઇમરજન્સી સેવા 108ના ઇએમટીએ વડી કચેરીના તબીબનાં માર્ગદર્શનથી સફળ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ નવજાત અને માતાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગાંધીનગર સિવિલના લેબર વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.
કઠવાડા 108 કોલ સેન્ટરના પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાના ચિલોડા છાપરામાં રહેતા મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો ઉપડતાં ચિલોડા લોકેશનના પાયલોટ નિલેશ સોલંકી અને ઇએમટી રાકેશ ઠાકોર પહોંચીને પ્રસૂતાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવી રહ્યા હતા. ત્યારે ચ-0 સર્કલ ખાતે પ્રસૂતાને ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો ઉપડતાં એમ્બ્યુલન્સને રોડની સાઇડમાં ઉભી રાખી ડૉ. મિહિરના માર્ગદર્શન હેઠળ પ્રસૂતાની ડિલિવરી કરાવી હતી. પ્રસૂતાની ડિલિવરી કરાવ્યા બાદ નવજાત અને મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.