
મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી પેથાપુરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 41ને સરકારે આંશિક સુધારા સાથે મંજૂરી આપી છે. આ ટીપી સ્કીમ 111.48 હેક્ટર વિસ્તારની જેમાં હવે આંતર માળખાકીય સુવિધા અને વિકાસ કામો હાથ ધરવામાં આવશે. સરકારે આ ટીપી સ્કીમને મંજૂરી આપવા સાથે તેમાં સુધારા કર્યા છે જે મુજબ અર્બન ફોરેસ્ટ માટે મહાનગરપાલિકા દ્વારા સૂચવાયેલી 0.70 ટકાને બદલે 1 ટકા જગ્યા રીઝર્વ રાખવાની રહેશે. આ જગ્યા માટે એક જ ફાઇનલ પ્લોટ રીઝર્વ રાખવાનો રહેશે.
ગાંધીનગરમાં 18 ગામો અને પેથાપુર નગરપાલિકાનો સમાવેશ મહાનગરપાલિકામાંં કરવામાં આવતાં ટાઉન પ્લાનિંગ સ્કીમોની તમામ કામગીરી મહાનગરપાલિકા હસ્તક આવી છે. શહેરમાં નવા વિકસતા વિસ્તારોના સુઆયોજન માટે મહાનગરપાલિકા દ્વારા નવી ટીપી સ્કીમો તૈયાર કરવામાં આવી રહી છે. પેથાપુરના 111.48 હેક્ટર વિસ્તારને આવરી લેતી ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ખેડૂતો સાથે બેઠક- પરામર્શ અને વાંધા સૂચનો મેળવ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી માટે શહેરી વિકાસ વિભાગને દરખાસ્ત કરવામાં આવી છે. જે મુજબ સરકાર દ્વારા આ ટીપીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સૂચવાયેલા સુધારા મુજબ પાર્ક ડેવલપમેન્ટ ખર્ચ અધિનિયમની જોગવાઈઓ મુજબ રદ કરવો પડશે.
રોડના ખર્ચની ગણતરીમાં થયેલી ભૂલો સુધારવી પડશે. જે કેસોમાં 7/12ના ઉતારા ઉપલબ્ધ નથી તેવા કેસોમાં રેવન્યુ રેકર્ડની ચકાસણી કરીને જમીનની માલિકીની વિગતો ફોર્મ-એફમાં દર્શાવવાની રહેશે. યોજનાના વિસ્તારમાં ઓએનજીસી લાઇન, હાઇ ટેન્શન લાઇન અથવા અન્ય કોઈ ગેસ લાઇન આવેલી હોય, તો તેની વિગતો સંબંધિત વિભાગ પાસેથી મેળવીને નકશામાં દર્શાવવી પડશે. સરકારમાંથી મંજૂરી મળતા મહાનગરપાલિકા દ્વારા રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની માળખાકીય સુવિધા વિકસાવવામાં આવશે, ઉપરાંત અહીં વિકાસ પરવાનગી પણ આપવામાં આવશે.
પાર્કિંગ માટે 1 ટકા જગ્યા અનામત રખાશેઃ નવા વિકસી રહેલા ટીપી વિસ્તારોમાં કોમર્શિયલ ડેવલપમેન્ટ પણ વધારે રહેતું હોય છે. બીજીતરફ મહાનગરોમાં પાર્કિંગની સમસ્યા પણ વકરી રહી છે ત્યારે આ ટીપી-41માં સરકાર દ્વારા મહત્વનો સુધારો સૂચવવામાં આવ્યો છે તે મુજબ આ ટીપીમાં કુલ ક્ષેત્રફળના 1 ટકા જમીન પાર્કિંગના હેતુ માટે રીઝર્વ રાખવી પડશે. ભવિષ્યની વસ્તી અને વિકાસને ધ્યાનમાં રાખીને પાર્કિંગને લઇને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે આ ફેરફાર સૂચવવામાં આવ્યો છે.