
ગાંધીનગરમાં શિક્ષકો તૈયાર કરતી યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનું 150 કરોડના ખર્ચે નવું કેમ્પસ બનાવવાની દરખાસ્તને સરકારે મંજૂરી આપી છે. હાલ સ્કૂલના બિલ્ડિંગમાં સુધારા- વધારા કરીને આ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે. હવે સેક્ટર-15માં જ આધુનિક સુવિધા સાથેનું નવું બિલ્ડીંગ તૈયાર કરાશે.
સેક્ટર- 15માં 30 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામનારા આ કેમ્પસમાં એકેડેમીક, ફેકલ્ટી અને એડમિનિસ્ટ્રેટર બિલ્ડિંગ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાર્ડન, પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સંસ્થાનું કેમ્પસ ડેવલપ કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા પ્લાન- એસ્ટિમેટ તૈયાર કરીને સરકારમાં દરખાસ્ત કરી હતી જેને મંજૂરી અપાઇ છે.
હાલમાં આઇઆઇટીઇ જ્યાં કાર્યરત છે તે સેક્ટર- 15ની સ્કૂલની જગ્યામાં જ નવું કેમ્પસ ઊભું કરવામાં આવનાર છે. આઇઆઇટી કેમ્પસ માટે 30 હજાર ચોરસ મીટર જગ્યા ઇયર માર્ક કરી દેવામાં આવી છે. તેમાં સાત-સાત માળના એકેડેમીક બિલ્ડીંગ અને એડમિનિસ્ટ્રેટર બિલ્ડિંગ બાંધવામાં આવશે. ફેકલ્ટી બિલ્ડીંગ ત્રણ માળનું રહેશે, જ્યારે જરૂરી તમામ સુવિધા સાથેનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને પાર્કિંગ પ્લેસ પણ તૈયાર કરવામાં આવશે.