
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામતને લઈ થયેલી જાહેરહિતની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. હાઇકોર્ટમાં મહેસાણાથી અરજદાર પથુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે એક જાહેરહિતની અરજી દાખલ કરી હતી. અરજદાર પોતે નિવૃત પ્રિન્સિપાલ છે અને OBCમાંથી આવે છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત અને લોકલ બોડીઝની અન્ય ચૂંટણીઓમાં OBC અનામત 10 ટકાથી વધારીને 27% કર્યું છે. ખરેખરમાં અધર બેકવર્ડ ક્લાસની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં અનામતની જેમ પોલિટિકલ રિપ્રેઝન્ટેશનમાં કરી શકાય નહીં. આ અરજી સંદર્ભે હાઇકોર્ટમાં આજે રાજ્ય સરકારે એફિડેવિટ ફાઇલ કરી છે. હવે અરજદાર તેનો જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, ત્યાર બાદ આવી જ જાહેરહિતની અરજી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. જો કે કોર્ટે નવી અરજીનો સ્વીકાર નહીં કરીને તેમને ચાલુ અરજીમાં ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરવા સૂચન કર્યું હતું. આજે દિનેશ બાંભણિયા વતી ઉપસ્થિત થયેલા વકીલે ચાલુ જાહેર હિતની અરજીમાં ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરી હતી. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે દિનેશ બાંભણિયાને કોર્ટે ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરવા સ્વતંત્રતા આપી હતી, પરંતુ હક્ક નહીં. જાહેરહિતની અરજીમાં ઇન્ટરવેન્શન અરજી માટે પોતાનો સંપૂર્ણ પરિચય આપવો પડશે. તેઓએ અરજીમાં બિઝનેસમેન અને સામાજિક કાર્યકર તરીકે ઓળખ આપી છે. પરંતુ વધુ સ્પષ્ટતાની જરૂર છે. ગુજરાત હાઇકોર્ટે દિનેશ બાંભણિયાને 02 અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ અંગે વધુ સુનાવણી 29 ઓગસ્ટે યોજાશે.
શું છે સપ્રીમ કોર્ટનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે તે વિસ્તારમાં વસ્તીના આધારે OBCને બેઠકો ફાળવવી જોઈએ. જો તે વિસ્તારમાં OBCની સંખ્યા વધુ હોય તો 50 ટકાથી અનામત વધે નહીં તે રીતે પણ બેઠકો ફાળવી શકાય અને ઓછી સંખ્યા હોય તો ઓછી બેઠકો ફાળવવી જોઈએ. બેકવર્ડ ક્લાસમાં પોલિટિકલ રીપ્રેઝન્ટેશનમાં જાતિઓની ઓળખ અમે સંખ્યા માટે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. જેને ડીઝોલ્વ કરી નાંખવામાં આવ્યું છે. કેબિનેટની સબ કમિટીએ કમિશનના સૂચનોને અનુસર્યા વગર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસર્યા વગર યુનિફોર્મ રિઝર્વેશનનું સમર્થન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યમાં બેઠકો ફાળવવામાં ફિક્સ અનામતથી સામાન્ય વર્ગ અને SC, ST અને OBC ને નુકશાન જઈ રહ્યું છે.
આમ અરજદારે ગુજરાત લોકલ ઓથોરિટી લો અમેન્ટમેન્ટ એક્ટ 2023ને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો છે. આ સુધારાને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ભંગ ગણાવ્યો છે. ઝવેરી કમિશનના રિપોર્ટને આ સુધારો કરતા ધ્યાને લેવામાં આવેલ નથી, વળી કમિશનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં નથી તેમ જણાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું હતું કે કમિશનનો રિપોર્ટ માર્ગદર્શક હોઈ શકે, બંધનકર્તા નહીં. જો કે હાઇકોર્ટે આ મામલે રાજ્યના ચૂંટણી પંચ અને સરકારને નોટિસ આપી હતી. અરજદારે અગાઉ રજૂઆત કરી હતી કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 08 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પ્રક્રિયા ઉપર રોક લગાવવામાં આવે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તે ચૂંટણી પ્રક્રિયા ઉપર રોક લગાવી શકે નહીં.