
શાસ્ત્રીનગરમાં સરદાર પટેલ આવાસમાં ટૂ, થ્રી બીએચકે ફ્લેટધારકોને બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ કરવા દેવાતો નહોતો. એટલે તેમણે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. હાઈકોર્ટે સરદાર પટેલ આવાસના તમામ રહીશો બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ કરી શકશે તેવો આદેશ કર્યો હતો. આથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે રાખી પતરાંના શેડ હટાવ્યા હતા.
બોર્ડના સિનિયર ઇજનેર એમ. બી. કટારિયા અનુસાર, જે આવાસના 10 બ્લોક (ટૂ, થ્રી બીએચકે) 8 વર્ષ પહેલાં બનાવ્યા ત્યારે 4 બીએચકેવાળા ફ્લેટ બન્યા નહોતા. 2 વર્ષ પહેલાં જ ફ્લેટની કામગીરી પૂરી થતાં પતરાં લગાવી દીધાં હતાં. બેઝમેન્ટ પાર્કિંગની ક્ષમતા પૂરતી હોવાથી તમામ રહીશો ત્યાં પાર્ક કરી શકે તેમ છે. ઉપરાંત 4 બીએચકેના 2 બ્લોકમાં આવેલાં 108 મકાનમાંથી માત્ર 48 જ ભરાયાં છે, જેથી પાર્કિંગની પૂરતી સુવિધા થઇ શકે તેમ છે.
ટૂ બીએચકેના રહીશ સંજય પટેલે જણાવ્યું કે બેઝમેન્ટનું પાર્કિંગ માત્ર 4 બીએચકેના રહીશો માટે નહીં પરંતુ તમામ રહીશો માટે છે. સામે પક્ષે 4 બીએચકેના રહીશ અમિત ભાઈએ જણાવ્યું કે અમારા બ્લોકમાં 108 મકાન છે અને બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા પણ અમારા બ્લોક્સ નીચે જ છે. તેથી અમારા બ્લોકના પાર્કિંગમાં તમામ લોકો પાર્કિંગ કરશે તો તેની તેટલી પણ ક્ષમતા નથી.