
સાઇબર ગઠિયાઓએ લંડનમાં રહેતી વ્યક્તિના નામની તેના જ ફોટોવાળી ફેસબુક ઉપર ફેક પ્રોફાઈલ બનાવીને ઘાટલોડિયાના વકીલને લંડનમાં રહેતા તેમના સાળાના નામથી ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરી વિઝાની પ્રોસેસ માટે રૂ. 3 લાખ મોકલી રહ્યો હોવાનું કહી પૈસા ભર્યાની ખોટી સ્લીપ મોકલી હતી. ત્યાર બાદ એજન્ટને આપવાના બહાને તેમની પાસેથી ઓનલાઇન રૂ. 2.50 લાખ પડાવી લીધા હતા.
ઘાટલોડિયા સોલા રોડ સર્વોદય નગર વિભાગ-1માં રહેતા વકીલ કલ્પેશભાઈ શ્રીવિરમાજી ચૌધરી (26)ના સાળા અશોકભાઈ ચૌધરી લંડન રહે છે. 17 જુલાઈએ સવારે 9 વાગ્યે કલ્પેશભાઈના ફેસબુક મેસેન્જરમાં અશોકભાઈ ચૌધરીના એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે મારા વિઝા રિન્યુ કરવાના હોવાથી હું તમારા બૅન્ક એકાઉન્ટમાં રૂ. 3 લાખ ટ્રાન્સફર કરું છું. સાથે પૈસા મોકલ્યાની સ્લીપનો ફોટો મોકલ્યો હતો. પછી તેણે એજન્ટનો નંબર આપું છું કહીને તેની સાથે રૂ. 2.70 લાખ મને મોકલવાના છે, તેવું કહ્યું હતું. તે વ્યક્તિ સાથે કલ્પેશભાઈએ વાત કરતાં તેણે પોતાનું નામ મનોજ કુમાર કહ્યું હતું અને કહ્યું હતું કે વિઝા પ્રોસેસ માટે 2.70 લાખ મોકલવાના છે.
તેવું કહીને કલ્પેશભાઈને જુદી જુદી બૅન્કની ડિટેઇલ મોકલી હતી. તેમાં કલ્પેશભાઈએ જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી ઓનલાઇન રૂ.2.50 લાખ મોકલ્યા હતા. જોકે આ પ્રોસેસ ચાલી જ રહી હતી ત્યારે કલ્પેશભાઈના સાળા અશોકભાઈ ચૌધરીનો લંડનથી ફોન આવ્યો હતો. કલ્પેશભાઈએ તેની સાથે વાત કરતાં ચૌધરીએ કહ્યું હતું કે મેં તમને આવો કોઈ જ મેસેજ કર્યો નથી અને વિઝાની કોઈ જ પ્રોસેસ કરવાની નથી. જેથી પોતાની સાથે સાઈબર ગઠીયાઓએ ઠગાઈ કરી હોવાનું માલુમ પડતા કલ્પેશભાઈ ચૌધરીએ આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.