CREDAI ગુજરાત-અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક

Spread the love

 

રાજ્યના બિલ્ડર લોબીના એસોસિએશન, CREDAI (કન્ફડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા) ગુજરાત અને CREDAI અમદાવાદની વર્ષ 2025-2027 માટેની નવી ટીમનો પદગ્રહણ સમારોહ આજે યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમારોહમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ બિલ્ડરોને કહ્યું હતું કે, આપણે બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે. દરેક સ્કીમ ગ્લોબલ સ્ટાન્ડર્ડની બને અને એકપણ ઇંચનું ખોટું બાંધકામ નથી જ કરવાનું એવા અભિગમ સાથે આગળ વધવાનું છે.

‘રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે, ભારત વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બન્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે. તેમણે ગુજરાત સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નીતિઓની ભૂમિકા આપતા કહ્યું કે, આ નીતિઓને કારણે રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટર સરકારની નીતિઓથી સંતુષ્ટ છે.

‘સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની તમામ રજૂઆત સાંભળવા તૈયાર’
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નવી કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન કવર અને વોટર હાર્વેસ્ટિંગ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે, ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને. તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂકીને કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આપણો દેશ આત્મનિર્ભર બને. સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની તમામ રજૂઆત સાંભળવા તૈયાર છે સાથે જ કોઈ ગેરલાભ ન લઈ જાય તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.

‘હવે આપણો દેશ કોઈપણ દેશને આંબી શકે છે’
વધુમાં સીએમે કહ્યું કે, બાંધકામ સાઇટો પર પાણીના મીટર અને એસટીપી (STP) પ્લાન્ટ લગાવવા માટે પણ વિચાર કરવા જોઈએ. મુખ્યમંત્રીએ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતા ‘ઓપરેશન સિંદૂર’ અને સૈનિકોની પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે જેમનામાં દેશ માટે લાગણી ન હોય તેવા લોકો દેશમાં રહી કેવી રીતે શકે. ટેરિફના મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હવે આપણો દેશ કોઈપણ દેશને આંબી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની આ પ્રગતિથી ઘણા દેશો અસુરક્ષિત અનુભવી રહ્યા છે, અને તેથી જ આ પ્રકારના નિવેદનો અને પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને યાદ કરીને ભારપૂર્વક કહ્યું કે, આ વિઝનના કારણે જ આપણે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છીએ.

આ જુનું ભારત નથી, પરંતુ હવે સ્વનિર્ભર ભારત છે: શેખર પટેલ
CREDAI નેશનલના પ્રમુખ શેખર પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ જુનું ભારત નથી, પરંતુ હવે સ્વનિર્ભર ભારત છે અને દેશનો વિકાસ તેની મહેનત અને પ્રજાના સહયોગથી થઈ રહ્યો છે. તેમણે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનને “ગાંડપણ” ગણાવ્યું હતું.

અમદાવાદ એક આધુનિક યુગના નવા જંકચર પર ઊભું છે’: ધ્રુવ પટેલ
ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદને ગિફ્ટ સિટી, ઓલમ્પિક ડ્રીમ અને ધોલેરા જેવા મોટા પ્રકલ્પો મળ્યા છે, એટલે અમદાવાદ એક આધુનિક યુગના નવા જંકચર પર ઊભું છે. ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ રાજ્ય સરકારના સહકારથી આકાશને આંબી રહ્યો છે.”

સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે: આલાપ પટેલ
નવનિયુક્ત પ્રમુખ આલાપ પટેલે જણાવ્યું કે, “અમદાવાદ સમગ્ર દેશનું ફાઈનાન્સિયલ કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફ અગ્રેસર છે. સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા સૌ સ્ટેક હોલ્ડરની જવાબદારી વધી જાય છે.”

નવા હોદ્દેદારોની જાહેરાત
પદગ્રહણ સમારોહ દરમિયાન, CREDAI (કન્ફડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા) ગુજરાતના પ્રમુખ તરીકે વિવાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તેજસ જોશી અને CREDAI અમદાવાદના પ્રમુખ તરીકે સોમ ગ્રુપના આલાપ પટેલની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ નવી નિમણૂકો જાહેર કરવામાં આવી હતી.

‘ધ બિગ શિફ્ટ’, ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025′ નામથી આ કાર્યક્રમનું આયોજન એસ.જી. હાઇવે પર રાજપથ ક્લબની પાછળ આવેલા જેડ લક્ઝરી બેન્ક્વેટ ખાતે કરવામાં આવ્યું. આ થીમ દર્શાવે છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા નેતૃત્વ હેઠળ મોટા અને હકારાત્મક પરિવર્તનોની અપેક્ષા છે.

સીએમે નવા હોદેદારોને શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસમાં તેમનો સહયોગ ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. CREDAIના આ નવા નેતૃત્વ હેઠળ આગામી બે વર્ષમાં ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આશા રાખવામાં આવી રહી છે.

ગુજરાતભરના રિયલ એસ્ટેટ સેક્ટરના વ્યવસાયીકો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાત અને અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે, ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત ગુજરાત ભરના રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા વ્યવસાયીકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *