સુરતનીમાં ઓક્સિજનની 210 ટનની જરૂરીયાત સામે 153 ટન મળ્યો પહેલાં સુરતને પુરવઠોઃ હજીરામાંથી અન્ય રાજ્યમાં જતા ઓક્સિજનના ટેન્કર અધિકારીઓએ અટકાવી દીધા સુરત શહેરના હજીરા ખાતે આવેલી આઈનોક્સ કંપની હાલ સૌથી વધારે ઓક્સિજન સપ્લાય કરી રહી છે. વિકટ પરિસ્થિતીમાં કંપનીએ સુરતમાં કાપ મૂકી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય જિલ્લામાં ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો છે. ત્યારે અધિકારીઓએ આજે કંપનીની બહાર જ ડેરો નાખી તેમના ટેન્કરો અટકાવી દીધા હતા.
હજીરા ખાતે આવેલી આઈનોક્સ કંપનીનો પ્લાન્ટ પહેલા પ્રતિદિન 120 મેટ્રિક ટન ઉત્પાદન કરતી હતી. જે અત્યારની પરિસ્થિતિમાં વધારી 170 ટન કરી દેવાયો છે. આ જથ્થો પહેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આપતા હતા. પરંતુ હવે દેશના અન્ય રાજ્યા અને જિલ્લાઓમાં પણ ઓક્સિજનની અછત સર્જાતા જથ્થો બહાર પહોંચાડવામાં આવી રહ્યો છે.
અને તે બધુ સુરતના ઓક્સિજનના જથ્થામાં કાપ મુકીને થઈ રહ્યું છે. સુરતને કંપનીએ આજે માત્ર 86 મેટ્રિક ટન જથ્થો આપ્યો હતો. બીજા ઓક્સિજનની જરૂર હોવા છતાં સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જેને પગલે શહેરમાં ઓક્સિજનની કટોકટીને પગલે હજીરામાંથી અન્ય રાજ્યમાં જતા ટેન્કર અધિકારીઓએ અટકાવી દીધા હતા. પહેલા સુરતને સપ્લાય પુરો આપો કહી કંપનીની બહાર ડેરો નાખી બેઠા હતા. નાયબ કલેક્ટર આર.આર.બોરડ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.પટેલ, સહિત સાત અધિકારીઓએ આજે હજીરા ખાતે આઈનોક્સ કંપનીની બહાર તેમના ટેન્કરનો સપ્લાય અટકાવી દીધો હતો.
શહેરને બચાવવા માટે હવે અધિકારીઓ પણ દબંગ રસ્તે ઉતરી આવ્યા હતા. સાત જેટલા અધિકારીઓએ કંપનીને પહેલા સુરતને સપ્લાય પુરો પાડો પછી અન્ય જિલ્લામાં મોકલો કહીને ટેન્કર રોકી રાખ્યા હતા. સુરતની બહાર મધ્યપ્રદેશ. નવસારી, વલસાડ અને વડોદરા ખાતે જનારા ટેન્કરો રોકી રાખ્યા હતા. આ સિવાય કંપની પર પ્રેસર લાવવા માટે કંપનીમાં નાઈટ્રોજન અને આર્ગન નામના કેમિકલના ટેન્કર અટકાવી દીધા છે. આ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે.
સુરતમાં ઓક્સિજન સપ્લાયની પરિસ્થિતિ દર ચોવીસ કલાકે વધુ પડકારજનક બની રહી છે. આજે સુરત શહેરમાં 210 મેટ્રિક ટન માંગ સામે માત્ર 153 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો હતો. શહેરમાં આજે આઈનોક્સ કંપની દ્વારા 86 મેટ્રિકટન જથ્થો આપવામાં આવ્યો હતો. આ પુરેપુરો જથ્થો નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને સપ્લાય કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન અપાયો હતો. આજે ઓક્સિજનના થઈ રહેલા આ સપ્લાયમાં હજુ ઘટાડો નોંધાયો છે. જે આગામી 24 કલાક બાદ ઓક્સિજન સપ્લાય હજુ ઘટે તેવી ભિતી સેવાઈ રહી છે.