ગાંધીનગર શહેરમાં કોરોનાની મહામારીમાં સંપૂર્ણ હોમ કવોરન્ટાઇન દર્દીઓ માટે શિક્ષાપત્રી ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા. ૧૫મી એપ્રિલ, ૨૦૨૧ થી નિઃ શુલ્ક ટીફીન સેવા ઘરે ઘરે પહોંચાડવાની ઉમદા સેવાકીય કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. આજે ગાંધીનગર શહેરના ૨૫૦૦ જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓને અને ૧૦૮માં ફરજ બજાવતાં મેડિકલ સ્ટાફને ૧૫૦ ટીફીન સેવા સવાર- સાંજ આપવામાં આવી રહી છે. ગાંધીનગર ચૌધરી સમાજના પૂર્વ પ્રમુખ અને મેટ્રો ગ્રૃપના શ્રી વિષ્ણુભાઇ ચૌધરી તથા શિક્ષાપત્રી ફાઉન્ડેશનના સભ્યો શ્રી નિમેષભાઇ ચૌધરી તથા હિતેષભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી પ્રભાવિત ગાંધીનગર શહેરમાં તા. ૧૫મી એપ્રિલ, ૨૦૨૧થી નિઃશુલ્ક ટીફીન સેવા બપોર અને સાંજના ભોજન માટે શરુ કરવામાં આવી હતી. જેના લાભ અત્યાર સુધીમાં ૩૨ હજાર જેટલા ગાંધીનગર શહેરીજનોને આપવામાં આવ્યો છે. હાલમાં રોજના ૨૫૦૦ જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓને ઘરે ઘરે ટીફીન સેવા આપવામાં આવી રહી છે. આ પૈકી સીવીલ હોસ્પિટલમાં સતત જીવના જાેખમે દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફને પણ દરરોજ ૧૫૦ ટીફીન સેવા આપવામાં આવે છે. ગાંધીનગર શહેરના કોરોના પ્રભાવિત સેકટર- ૨ અને સેકટર- ૩માં સૌથી વધુ ૨૦૦ જેટલા ટીફીન સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સરગાસણ અને કૃડાસણમાં પણ કોરોના પ્રભાવિત કુટુંબોને ટીફીન સેવા પૂરી પાડવામાં આવે છે. કોરોનાથી મુક્ત થયેલા સુખી, સંપન્ન પરિવારો સાજા થતાં યથાશક્તિ દાન આપવાની પણ શિક્ષાપત્રી ફાઉન્ડેશનને તત્પરતા દાખવી છે. શિક્ષાપત્રી ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા કોઇપણ દાન નહી સ્વીકારીને પોતાની શક્તિ પ્રમાણે અન્ય કારોના પ્રભાવિત કુટુંબોને મદદરુપ થવા વિનંતી કરી છે.
શિક્ષાપત્રી ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા સેકટર- ૧ થી ૩૦ તથા રાંદેસણ, કુડાસણ, પેથાપુર અને સરગાસણ વિસ્તારો માટે કુલ ૪૦ થી વધુ વોલીયન્ટર્સ સમયસર બે ટાઇમ ટીફીન પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિઓ પોતાના વાહન સાથે કરી રહ્યાં છે. ગાંધીનગર શહેરના કોરોના પ્રભાવિત લોકોને આ સેવાનો લાભ લેવા ૯૪૯ ૯૪૯ ૯૪૯૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા કોરોના દર્દીઓ માટે બપોરે મીઠાઇ, કઠોળ, શાક, રોટલી, દાળ-ભાત અને સલાડ તથા સાંજે ખીચડી, કઢી, શાક અને ભાખરી કોરોનાના દર્દીઓને ઘર આંગણે પહોંચાડવામાં આવે છે.