ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં ઓક્સિજનની જરૂરિયાત હોઇ, લોકો પાસેથી ફંડ ઉઘરાવતી એનજીઓનું બેન્ક ખાતું સીલ કરી દેવામાં આવ્યું છે. આ ર્નિણય ગુજરાત ચેરીટી કમિશનરની કચેરીએ લીધો છે. આ બેન્કમાં ઉઘરાવાયેલું ૩૦ લાખનું ફંડ છે.બનાસકાંઠા જિલ્લાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોરોના દર્દીઓની મદદ કરવા માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું અને લોકોને ફંડ આપવા અપીલ પણ કરી હતી. આ એનજીઓમાં ફંડ આપનારા અગ્રણી દાતામાં ફિલ્મસ્ટાર પ્રકાશ રાજનો સમાવેશ થાય છે કે જેમણે આ એનજીઓને ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
રાજ્યના ચેરીટી કમિશનરે એનજીઓના એકાઉન્ટને સીલ કરી દીધું છે તેથી તેઓ ફંડમાં રૂપિયા વાપરી શકશે નહીં.ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ અન્ય મેડીકલ સુવિધા ઉભી કરવા માગતા હતા. રાજ્યના સૌથી વધુ ગરીબ અને આર્થિક રીતે પછાત એવા બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓ માટે સુવિધા ઉભી કરવાનો તેમનો પ્રયાસ હતો.વી ધ પીપલ ટેરીટેબલ ટ્રસ્ટ નામના સાત ટ્રસ્ટીઓના બનેલા સંગઠનને શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. આ એનજીઓનું એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે. બેન્ક એકાઉન્ટ સીલ કરવાનું કારણ એવું છે કે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ટ્રસ્ટી નહીં હોવા છતાં લોકોને દાન માટે અપીલ કરી રહ્યાં હતા. ચેરીટી કમિશનરને ફરિયાદ મળ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.કમિશનર ઓફિસના અધિકારીએ કહ્યું હતું કે અમે એનજીઓના ટ્રસ્ટીઓને નોટીસ આપીને ખુલાસો પૂછ્યો હતો પરંતુ તેઓ કોઇ ખુસાલો કરી શક્યા ન હતા તેથી બેન્ક એકાઉન્ટ સીલ કરવાની ફરજ પડી છે. સાત ટ્રસ્ટીઓ પૈકી કોઇએ ચેરીટી કમિશનરમાં જવાબ આપ્યો નથી.ટ્રસ્ટ તરફથી એવો કોઇ ઠરાવ કર્યો છે કે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પબ્લિક પાસેથી ફંડ ઉઘરાવી શકે તેવા પ્રશ્નનો જવાબ કોઇ ટ્રસ્ટી આપી શક્યા ન હતા તેથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચેરીટી કમિશનરની ઓફિસ કહી રહી છે. આ કેસમાં ટ્સ્ટના પ્રતિક અને નામ અંગેના અધિનિયમનો ભંગ થયો છે.ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે અમે જિલ્લામાં કોરોના સંક્રમણના નિયંત્રણ અને દર્દીઓ માટે કામ કરી રહ્યાં છીએ તે કોઇ પાર્ટીને ખટકે છે તેથી અમને અટકાવવામાં આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ફંડ એકત્ર કરવા માટે એક આંદોલન શરૂ થયું છે તેથી સરકાર અને ભાજપ ભયભીત બન્યાં છે તેથી અમારા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. મેવાણીની અપીલના કારણે ટ્રસ્ટને અત્યાર સુધીમાં ૩૦ લાખ રૂપિયાનું દાન મળ્યું છે અને તેમાં ફિલ્મસ્ટાર પ્રકાશ રાજના ચાર લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.