ઉત્તર પ્રદેશના અંબેહટા મંડલ વિસ્તારમાં શુક્રવારે (7 નવેમ્બર) મોડી રાત્રે ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ 65 વર્ષીય ધરમ સિંહ કોરી તરીકે થઈ છે, જેઓ ભાજપના અનુસૂચિત મોરચાના મંડળ અધ્યક્ષ અને મંડલ ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત હતા. બદમાશોએ ઘરમાં ઘૂસીને તેમને માથામાં ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.
અંબેહટા મંડલના ભાજપ નેતા ધરમ સિંહ કોરીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટના ગામ ટિડૌલી સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી. મૃતક ધરમ સિંહ કોરીના દીકરા સુશીલ કોરી, જેઓ પોતે પણ ભાજપના અનુસૂચિત મોરચાના મંડળ અધ્યક્ષ છે, તેમણે સમગ્ર ઘટનાની વિગતો આપી હતી
ધરમ સિંહ કોરી રાત્રિના સમયે ગામ ટિડૌલી સ્થિત પોતાના ઘરે સૂતા હતા ત્યારે મૃતકના મોટા દીકરાએ જણાવ્યું કે રાત્રે લગભગ 2:00 વાગ્યે તેમને શ્વાનના ભસવાનો અને ફટાકડા જેવો અવાજ આવ્યો હતો. જોકે, ગામમાં તે સમયે બે લગ્ન હોવાથી પરિવારજનોએ આતિશબાજીનો અવાજ સમજીને તેના પર વધુ ધ્યાન ન આપ્યું અને ઘરમાં જ સૂતા રહ્યા. શનિવારે સવારે જ્યારે તેમનાં પત્ની સુનીતાબેન ઘરમાં આવ્યા, ત્યારે તેમણે જોયું કે ખાટલા પાસે લોહી વહી રહ્યું હતું. તેમણે બૂમાબૂમ કરતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા અને જોયું તો ધરમ સિંહ કોરીની માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.બદમાશોએ ચૂપચાપ ઘરમાં ઘૂસીને આ કૃત્ય આચર્યું હતું, જેથી પરિવારના સભ્યોને હત્યાની જાણ સવાર સુધી થઈ નહોતી.
આ ગંભીર ગુનાની જાણ થતાં જ પોલીસની એક ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવ્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. ભાજપના એક સક્રિય નેતાની ઘરમાં ઘૂસીને કરાયેલી હત્યાના કારણે રાજકીય વર્તુળોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. પોલીસે હત્યા પાછળનું સાચું કારણ અને હત્યારાઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.