ગાંધીનગરમાં કોલવડા તળાવ બન્યું ‘ઓક્સિજન પાર્ક’

Spread the love

 

ગાંધીનગર

સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વચ્ચે શુદ્ધ હવા અને શાંતિ શોધતા નગરજનો માટે એક ખુશખબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને ‘અમૃત સરોવર’ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જે જગ્યા પર એક સમયે કચરાના ઢગલા અને ડમ્પિંગ સાઇટ હતી તે આજે લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ અને નયનરમ્ય સૌંદર્યથી સભર આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને ‘અમૃત સરોવર’ તરીકે વિકસાવવામાં આવ્યું છે. સહેલાણીઓની સગવડ માટે સિમેન્ટ-કોંક્રિટનો ઉપયોગ નજીવો રાખીને તળાવની આસપાસ મિયાંવાંકી વન પદ્ધતિથી 30 હજાર જેટલા દેશીકુળના વૃક્ષો વિકસાવવામાં આવ્યા છે. બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, સરૂ, જાંબુ અને જામફળ જેવા દેશીકુળના વૃક્ષોથી 41,301 ચોરસ મીટર વિસ્તાર હરિયાળીથી છવાયો છે, જેના કારણે આ સ્થળ હવે ‘ઓક્સિજન પાર્ક’ ની પણ ગરજ સારે છે. હાલમાં વધુ 10,000 વૃક્ષો વાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ તળાવ વિવિધ પશુ-પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે. સાંજના સમયે મોર, પોપટ, કોયલ, ઢેલ, ટીટોડી, બતક, અને નામશેષ થતી જતી ઘર ચકલીઓ જોવા મળે છે. કમિશનર ગાંધીનગરના જણાવ્યા અનુસાર, સૃષ્ટિના નિયમ પ્રમાણે જીવન ચક્ર અને જીવશૃંખલા જળવાઈ તે ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશ સાથે અહીં સાપ જેવા સરીસૃપોને પણ કોઈપણ ખલેલ વગર આશ્રય મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

તળાવના ઢોળાવ પર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને રક્ષણ મળે તે રીતે આયોજન કરાયું છે, જેને કારણે આ તળાવ મૂળ નિવાસી પક્ષીઓ ઉપરાંત સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે પણ રહેઠાણ બન્યું છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો 8.47 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાયુ છે. 1,10,000 ચોરસ મીટર ફેલાયું છે. તળાવમાં પાણી સંગ્રહ ક્ષમતા 182.5 મિલિયન લિટર છે. આમ આ સ્થળ કોલવડા, રાંધેજા અને ગાંધીનગર શહેરના 10 હજારથી વધુ રહેવાસીઓ માટે આ નજીકનું પિકનિક સ્પોટ બન્યું છે.

આ પ્રોજેક્ટ માત્ર સૌંદર્યકરણ પૂરતો સીમિત નથી. અહીં ભૂગર્ભ જળની ભરપાઈ માટે તળાવ ઓવર ફ્લો થતાં રિચાર્જ કુવાઓ બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. સાથે જ પાણીની ગુણવત્તા સુધારવા માટે જળચર છોડ વાવેતરનું અને તળાવમાં હંમેશા પાણી જળવાઈ રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ નયનરમ્ય સ્થળ પર આથમતા સૂરજનું તળાવમાં પડતું પ્રતિબિંબ, બાળકોની કિલકારીઓ અને પક્ષીઓનો મધુર અવાજ વાતાવરણને ખૂબ જ આહલાદક બનાવે છે. આ સ્થળની મુલાકાત શહેરની ભીડભાળથી દૂર, પ્રકૃતિના ખોળે વિહરવાની ખોજ પૂર્તિનું માધ્યમ બની રહેશે.જિલ્લામાં ચાલી રહેલા મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન જેમ કે “એક પેડ મા કે નામ” ને આ પ્રોજેક્ટ વધુ વેગ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *