CM ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ સંપન્ન

Spread the love

ગાંધીનગર

ગાંધીનગરમાં સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદ થયેલા 24 ફેલો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, સામાન્ય નાગરિકોની સુખ-સુવિધા અને ગુડ ગવર્નન્સને વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુવાશક્તિના ઈનોવેશન, જ્ઞાન અને કૌશલ્ય સાથે વરિષ્ઠ સચિવોના અનુભવોનું સંકલન કરીને રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકોનું કલ્યાણ કરતી દિશામાં દોરવાનો સરકારનો પ્રયાસ છે.

મુખ્યમંત્રીએ યાદ કરાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેનાં તેમના કાર્યકાળ દરમિયાન 2009માં સી.એમ. ફેલોશીપની શરૂઆત કરી હતી. તેજસ્વી અને પ્રતિભાશાળી યુવાઓના ઈનોવેટીવ વિચારોને શાસનમાં જોડવાનો આ અભિગમ આજે સુશાસનના મહત્વપૂર્ણ સાધન તરીકે ઊભો થયો છે.તેમણે કહ્યું કે વડાપ્રધાનએ “સરકાર ચલાવવાની નહીં, દેશ બદલવાનો” અભિગમ અપનાવ્યો છે, જેને આધારે ડિજિટલ ભારત જેવી પહેલો થકી લોકોના જીવનમાં ક્રાંતિ આવી છે.

શિબિરની શરૂઆતમાં મુખ્યમંત્રીની હાજરીમાં સ્પીપા (SPIPA) અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યો.આ એમ.ઓ.યુ. હેઠળ પબ્લિક પોલિસી મેનેજમેન્ટના 11 જેટલા વિષયો પર કેપેસિટી બિલ્ડિંગ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો યોજાશે.

મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે સી.એમ. ફેલોશીપના ફેલોએ કરેલા રિસર્ચ, કેસ સ્ટડીઝ અને વિવિધ વિષયક યોગદાન રાજ્યની નીતિ-વ્યવસ્થાને વધુ અસરકારક બનાવે છે. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપને છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વેગ મળ્યો છે. શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોએ ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. ફેલોએ તેમના પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ પણ કર્યું હતું.ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *