
અમદાવાદ
સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવ્યા છે. વિશાલ ગોસ્વામી સહિત રિંકુ તથા સતીશ ગોસ્વામી કુલ ત્રણ જણાને દોષિત જાહેર કર્યા છે. હવે સજા અંગે બચાવ પક્ષને સાંભળવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી ચેતન શાહ અને કમલેશ જૈન રોકાયેલા હતા. બપોર પછી તેમને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિશાલ ગોસ્વામીને ત્રણ કેસમાં સજા કરવામાં આવી હતી, જેથી તે અને રિંકુ હાલ જેલમાં છે, જ્યારે ત્રીજા આરોપીને કોર્ટના હુકમ બાદ જેલ હવાલે કરવામાં આવશે.
વિશાલ રામેશ્વરપુરમ ગોરસ્વામી મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના શિવલાલકાપુર ગામનો વતની છે. ગામની અંદર કાકા-બાપા વચ્ચે વિખવાદ થતાં સામ-સામે ફાયરિંગ થયું હતું, જેથી વિશાલના પરિવારે મધ્યપ્રદેશથી રાજસ્થાનના ભરતપુરમાં સ્થળાંતર કર્યું, જયાં વિશાલના પિતા નાનું-મોટું કામ કરતા હતા. વિશાલ અને તેના ભાઈઓ ડ્રાઇવિંગ વગેરેનું કામ કરતા હતા. જોકે વિશાલ ગોસ્વામીને જલદીથી પૈસાદાર બનવું હતું, જેથી તેના પરિવારે ધીમે ધીમે ગુનાખોરીની દુનિયામાં કદમ રાખ્યા. પહેલા રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેણે લૂંટ શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે ગુજરાતમાં પગ રાખ્યો હતો. અમદાવાદ અને ભુજમાં વિશાલ ગોસ્વામી અને તેના ભાઈએ ગેસ એજન્સીમાં ડ્રાઇવર તરીકેની નોકરીની આડમાં લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. સૌ પહેલા તેમણે ભુજના માધાપર વિસ્તારની બેંકમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદની બે બેંકમાં લૂંટ કરી. આ સિવાય વેજલપુરમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તો તેમણે જ્વેલર્સને લૂંટવાનું તેમજ તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું.
ગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખસની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં હતા અને ખંડણી માગવામાં આવી રહી હતી.