સુરત એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો ખુલાસો થયો, બેગના ગુપ્ત ખાનામાંથી પકડાયો 6.18 કરોડનો હાઇબ્રીડ ગાંજો

Spread the love

સુરત એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો ખુલાસો થયો છે, જેમાં ચાર બેગના ગુપ્ત ખાનામાં છુપાવેલા હાઇબ્રીડ ગાંજાના 16 પેકેટ પોલીસે ઝડપી પાડ્યા છે. અંદાજે 6.18 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે એક મહિલા સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી. આ ઘટનાને પગલે સુરત એરપોર્ટ જાણે ડ્રગ ડીલિંગનું નવું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ એક જ મહિનાના અંતરે થયેલી બે મોટી કાર્યવાહીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે, જેમાં 18 નવેમ્બરના રોજ 1.42 કરોડના ‘હાઇડ્રો વીડ’ ગાંજા સાથે જાફર અકબર ખાનની ધરપકડ બાદ, હવે 22 ડિસેમ્બરે તે જ બેંગકોક-સુરત ફ્લાઇટ (IX-263) માંથી 6.18 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્કનું સંચાલન ચેન્નાઈના બે કુખ્યાત માસ્ટરમાઈન્ડ મોહમદ અલી અને મોહમદ અબ્રાહિમ બેંગકોકમાં બેસીને કરી રહ્યા છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ડુમસ પોલીસે સંયુક્ત રીતે એક અત્યંત દિલધડક ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. થાઇલેન્ડના બેંગકોકથી વાયા એર માર્ગે સુરત ઉતરેલા બે પેસેન્જરો પાસેથી અંદાજે 6.18 કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ ‘હાઇડ્રો વીડ’ હાઇબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યું છે. બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસની સાથે CISF, DRI અને AIU જેવી એજન્સીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર ઓપરેશનની શરૂઆત એક સચોટ બાતમીથી થઈ હતી. પોલીસને ખબર મળી હતી કે ચેન્નાઈના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાસીયા અબ્દુલ કપુર બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-263માં નશીલા પદાર્થોનો મોટો જથ્થો લઈને સુરત આવી રહ્યા છે. તારીખ 22 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 07.40 વાગ્યે જેવી ફ્લાઇટ લેન્ડ થઈ, ત્યારે બાતમી મુજબના આ બંને પેસેન્જરોને સુરત એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. તેમની ગતિવિધિ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓએ તુરંત જ તેમની સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી દીધી હતી. પકડાયેલા આ બંને આરોપીઓ પાસેથી બે ટ્રોલી બેગ મળી આવી હતી, બંન્ને ટ્રોલી બેગમાંથી અન્ય બે ટ્રોલી બેગ અંદરથી મળી આવ્યું, જેની બનાવટ સામાન્ય બેગ કરતા અલગ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ડ્રગ માફિયાઓએ ટ્રોલી બેગના ઉપર અને નીચેના ભાગે ગુપ્ત ખાના બનાવ્યા હતાં. ડ્રગ માફિયાઓ સ્કેનિંગથી બચવા માટે અત્યંત આધુનિક રીતો અપનાવે છે. પકડાયેલા આરોપીઓ ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાં ડ્રગ્સ પેક કર્યા બાદ તેના પર કાર્બન પેપર અને અન્ય ખાસ પ્રકારની કોથળીઓ લગાવતા હતા. માનવામાં આવે છે કે કાર્બન પેપર સ્કેનરના કિરણોને ડ્રગ્સ સુધી પહોંચતા રોકે છે અથવા તેની ઇમેજ સ્પષ્ટ થવા દેતું નથી. જોકે, સુરત પોલીસની સચોટ બાતમી આગળ આ તમામ તરકીબો નિષ્ફળ ગઈ હતી. આ ખાનાઓમાંથી કુલ્લે 17 કિલો અને 658 ગ્રામ ‘હાઇડ્રો વીડ’ હાઇડ્રોપોનિક કેનાબીસ મળી આવ્યું હતું. આ જથ્થાની કુલ કિંમત 6,18,03,000 રૂપિયા જેટલી થવા જાય છે. આ ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા, બે મોબાઈલ ફોન અને પાસપોર્ટ સહિત કુલ 6.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસનું સૌથી મહત્વનું પાસું મહિલા કેરિયરની સંડોવણી છે. 53 વર્ષીય રાસીયા અબ્દુલ કપુર નામની મહિલા આ સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કેરિયરોને માત્ર એક ટ્રીપ માટે 50,000થી 1,00,000 રૂપિયા જેટલી માતબર રકમ આપવામાં આવતી હતી. મહિલા હોવાના નાતે સુરક્ષા એજન્સીઓને શંકા ન જાય તે માટે ડ્રગ માફિયાઓ તેમને ટાર્ગેટ કરતા હતા. આ આરોપીઓ અગાઉ શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ અનેક પ્રવાસો કરી ચુક્યા છે. ડ્રગ માફિયાઓની મોડસ ઓપરેન્ડી એ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી હતી. એરપોર્ટ પર રહેલા આધુનિક એક્સ-રે સ્કેનરથી બચવા માટે તેઓ ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાં ડ્રગ્સના પેકેટ સાથે કાર્બન પેપર અને અન્ય ખાસ પ્રકારની કોથળીઓનો ઉપયોગ કરતા હતા. કાર્બન પેપર સ્કેનિંગ મશીનના કિરણોને છેતરવામાં મદદરૂપ થાય છે જેથી માદક પદાર્થની ઇમેજ સ્પષ્ટ ન દેખાય. આ સિન્ડીકેટના મુખ્ય સૂત્રધારો મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ બેંગકોકના એરપોર્ટ સુધી જ આ તૈયાર બેગ કેરિયરોને પહોંચાડી દેતા હતા, જેથી પોતે સીધા પકડાય નહીં. આ રેકેટનો માસ્ટર માઈન્ડ મનાતો તમીમ ઈબ્રાહિમ અન્સારી પણ પોલીસની પકડમાં આવી ગયો છે. તે તમિલનાડુના કાંચીપુરમનો રહેવાસી છે અને સુરત ખાતે બેંગકોકથી આવતા આ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી લેવા માટે આવ્યો હતો. પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ સુરત શહેરના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તમીમ અન્સારી છેલ્લા અઢી વર્ષથી આ વ્યવસાયમાં સક્રિય છે અને તે પોતે 15થી વધુ વખત બેંગકોક જઈ ચુક્યો છે. અગાઉ તેનો અન્ય એક સાથીદાર તાહાબ ફૈયાઝ દિલ્હીમાં પણ 1 કિલો હાઇડ્રો વીડ સાથે પકડાઈ ચુક્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ આખા રેકેટનું સંચાલન વિદેશની ધરતી પરથી થઈ રહ્યું છે. વોન્ટેડ આરોપીઓ મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ મૂળ ચેન્નાઈના છે, પરંતુ તેમની સામે ભારતમાં અગાઉ NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયા હોવાથી તેઓ છેલ્લા બે વર્ષથી ભારત આવવાનું ટાળે છે. તેઓ વારાફરતી બે માસ થાઇલેન્ડ અને બે માસ મલેશિયામાં રહીને પોતાનું નેટવર્ક ચલાવે છે. તેઓ થાઇલેન્ડમાં જથ્થાબંધ હાઇડ્રો વીડની ખરીદી કરી પેસેન્જર કેરિયરો મારફતે ભારતના અલગ-અલગ શહેરોમાં ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરે છે, જેની હવે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જપ્ત કરવામાં આવેલું ‘હાઇડ્રો વીડ’ એ સામાન્ય ગાંજા કરતા અનેકગણું મોંઘું અને જોખમી છે. તે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડવામાં આવે છે, જેમાં માટીની જરૂર પડતી નથી. છોડના મૂળને પોષક તત્ત્વોથી ભરપૂર પાણીના દ્રાવણમાં રાખીને નિયંત્રિત તાપમાન અને પ્રકાશમાં તૈયાર કરવામાં આવે છે. આ કારણે તેમાં THCનું સ્તર ખૂબ જ વધારે હોય છે, જે તેને અત્યંત નશીલું અને હાઈ-ડિમાન્ડ ડ્રગ બનાવે છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત સોનાના ભાવની જેમ આસમાને પહોંચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *