સચિવાલય તાલીમ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા નવનિયુક્ત કર્મચારીઓ માટે પૂર્વ-સેવા તાલીમનું આયોજન કરાયું
******
સચિવાલય તાલીમ કેન્દ્ર દ્વારા DySO તાલીમાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાતો, યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન
**********



સચિવાલય તાલીમ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ GIFT સિટી મેનેજમેન્ટના સહયોગથી તાલીમાર્થી DySO અધિકારીઓ માટે વિવિધ શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વહીવટમાં આધુનિક અભિગમ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા માટે તાલીમાર્થી અધિકારીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ગાંધીનગર,GIFT City તેમજ પોલો ફોરેસ્ટ જેવી મહત્વપૂર્ણ સ્થળોની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાતો દ્વારા તાલીમાર્થીઓને ટેક્નોલોજી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગેનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું.
આ ઉપરાંત, સચિવાલય તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમાર્થી DySO માટે યોગ અને પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે, સ્વ-રક્ષણ (Self-Defense) તાલીમ દ્વારા અધિકારીઓને શારીરિક તથા માનસિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો, જેથી તેઓ તણાવમુક્ત અને કાર્યક્ષમ કાર્યશૈલી અપનાવી શકે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી DySO દ્વારા “વિવિધતામાં એકતા” વિષય પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે જ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી તથા “વંદે માતરમ” ગીતની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જે દ્વારા દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.