
અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી છે. તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના ગળે અને ડાબા હાથના ભાગે હુમલો કરી પતિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેઓ બંને છેલ્લાં ચાર વર્ષથી લગ્નબંધનમાં જોડાયેલાં હતાં. બાપુનગરના હાઉસિંગ બોર્ડના મકાનમાં ઘટના બની છે. બાપુનગર પોલીસે ફરિયાદ લખીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કોઈ સુસાઇડ નોટ હતી કે કેમ એની તપાસ હાલ શરૂ છે. મૃતક મહિલા સોસાયટીની આજુબાજુ કચરા-પોતાં કરવાનું કામ કરતી હતી. બાપુનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે(23 ડિસેમ્બર) ખૂનીખેલ ખેલાતાં ચકચાર મચી ગઈ છે. બંધબારણે પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મકાનમાં ખેલાયેલા હિચકારા કૃત્યની ખરી હકીકત શું છે એ શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પતિના શરીર પર ઈજાનાં નિશાન જોતાં લાગી રહ્યુ છે કે બન્ને વચ્ચે પહેલા મારમારી થઈ હશે અને બાદમાં ખૂની ખેલ ખેલાયો હશે.