ધુરંધર ફિલ્મના ડાયલોગ સામે બલોચ સમાજ હાઈકોર્ટ પહોંચ્યો, બે અરજદારોએ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ

Spread the love

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. અરજદારે સંજય દત્તના પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, “તમે મગર પર ભરોસો રાખી શકો, પરંતુ બલોચ પર નહીં.” અરજદારોએ ફિલ્મમાં બોલાયેલા અન્ય કેટલાક સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે તે બલોચ સમુદાયને અપમાનજનક અને તિરસ્કારભર્યા રૂપમાં રજૂ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કોઈ સમુદાય સામે જાણી જોઈને અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો એ દ્વેષપ્રેરિત ભાષણ સમાન છે, જે સામાજિક અસમંજસતા ફેલાવે છે અને સમાનતા, ગૌરવ અને સન્માનના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં ફિલ્મમેકરો પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરવામાં આવી છે. સાથે જ માગ કરવામાં આવી છે કે, “ફિલ્મ ‘ધુરંધર’માંથી, તેમાંના ટ્રેલર્સ, પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત, બલોચ સમુદાય સામેના તમામ બદનામક, અશ્લીલ અને અપમાનજનક સંદર્ભો દૂર કરવામાં આવે, ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે. વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકાય નહીં. આ અંગે 24 ડિસેમ્બરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે.
ફિલ્મમાં શું બતાવ્યું છે?
ફિલ્મની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે. આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે.
કોણ છે બલોચ?
બલૂચિસ્તાનના કલાત રજવાડાના છેલ્લા શાસક મીર અહેમદ યાર ખાને તેમના પુસ્તક ‘ઇનસાઇડ બલૂચિસ્તાન’માં લખ્યું છે કે બલોચ પોતાને પયગંબર ઇબ્રાહિમના વંશજ માને છે. તેઓ સિરિયાના વિસ્તારમાં રહેતા હતા. વરસાદના અભાવ અને દુષ્કાળને કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. સિરિયા છોડ્યા પછી આ લોકોએ ઈરાનના પ્રદેશમાં પડાવ નાખ્યો. તત્કાલીન ઈરાની રાજા નુશેરવાનને આ ગમ્યું નહીં અને તેમણે આ લોકોને અહીંથી ભગાડી દીધા. આ પછી આ લોકો એ વિસ્તારમાં પહોંચ્યા, જેનું નામ પાછળથી બલૂચિસ્તાન રાખવામાં આવ્યું. જ્યારે બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા. જ્યારે તેઓ બલૂચિસ્તાન પહોંચ્યા ત્યારે તેમની જગ્યાએ મીર કમ્બર અલી ખાન આવ્યા. આ કુળને પયગંબર ઇબ્રાહિમના નામ પરથી બ્રાહીમી કહેવામાં આવતું હતું, જે પાછળથી બ્રાવી અથવા બ્રોહી બન્યું.
બલોચ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. ઘણાં વર્ષો પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાત વિસ્તારમાં સેવા (Sewa) વંશનું શાસન હતું, જેને હિન્દુ રાજવંશ માનવામાં આવે છે. આ રાજવંશના એક પ્રખ્યાત શાસક રાણી સેવી (Rani Sewi) હતાં, જેમના નામ પરથી પાછળથી સિબી પ્રદેશનું નામ પડ્યું. સેવા રાજવંશ મુખ્યત્વે કલાત અને એની આસપાસના વિસ્તારોમાં શાસન કરતો હતો અને એ સમયે આ રાજવંશ હિન્દુ પરંપરાઓનું પાલન કરતો હતો. ભારતના મુઘલ સમ્રાટ અકબરે 1570ના દાયકામાં બલૂચની મદદથી કલાત પર આક્રમણ કર્યું અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું. 17મી સદીના મધ્યમાં મુઘલોનું શાસન નબળું પડવા લાગ્યું અને બલૂચ જાતિઓએ બળવો શરૂ કર્યો. મુઘલોએ 18મી સદી સુધી અહીં શાસન કર્યું, પરંતુ બલૂચો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા. અહીંથી બલોચોએ કલાતમાં પોતાના રાજ્યનો પાયો નાખ્યો અને બલૂચિસ્તાનમાં બલોચોનું શાસન શરૂ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *