
ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતા અને વિવાદો સાથે જૂનો નાતો ધરાવતા મહિલા કાર્યકર હની પટેલે AAP પક્ષમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. હની પટેલે પોતાનું રાજીનામું ઇસુદાન ગઢવીને મોકલી આપ્યું છે. સોશિયલ મીડિયા પર આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા ઈચ્છતી હતી, પરંતુ હાલમાં મારા પર પરિવારની જવાબદારીઓ વધી ગઈ છે. અંગત કારણો અને ફેમિલી પ્રેસરને લીધે હું પક્ષ માટે પૂરતો સમય ફાળવી શકું તેમ નથી. આથી, ભારે હૈયે હું પક્ષમાંથી રાજીનામું આપી રહી છું. જોકે, રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે, રાજીનામા પાછળનું કારણ માત્ર ‘અંગત’ નથી, પરંતુ તેમની છબીને કારણે પક્ષ પર આવી રહેલું દબાણ પણ હોઈ શકે છે.
હની પટેલ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારે પણ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ તેમનો ભૂતકાળ હતો. અગાઉ હની પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાઈ હતી. આ કેસને લઈને સુરત સહિત આખા ગુજરાતમાં ભારે ચર્ચાઓ જાગી હતી. જ્યારે રાજકારણમાં સક્રિય થઈ ત્યારે વિરોધ પક્ષો અને નેટિઝન્સે તેમના હાઈબ્રિડ ગાંજા કનેક્શનને લઈને ‘આપ’ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે, શું પક્ષ આવા વિવાદાસ્પદ ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે? સુરત ‘આપ’ માટે ગઢ ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષના અનેક કોર્પોરેટરો કેસરીયો ધારણ કરી ચુક્યા છે, ત્યારે હની પટેલ જેવા કાર્યકરનું રાજીનામું પક્ષ માટે મોટો ફટકો તો નથી, પણ છબી સુધારવાની કવાયત્ જરૂર હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હની પટેલના જોડાણ બાદ સોશિયલ મીડિયા પર પક્ષની જે રીતે ટીકા થઈ રહી હતી, તેનાથી પક્ષના પાયાના કાર્યકરોમાં પણ નારાજગી હતી.
હની પટેલે ભલે રાજીનામા પાછળ કૌટુંબિક જવાબદારી ગણાવી હોય, પરંતુ હકીકત એ છે કે હાઈબ્રિડ ગાંજા કેસમાં તેમની સંડોવણી બાદ તેમને રાજકીય સ્વીકૃતિ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. સતત થતી ટીકાઓ અને વિવાદો વચ્ચે આખરે આ પ્રકરણનો અંત આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હની પટેલ કોઈ અન્ય પક્ષમાં જોડાય છે કે પછી રાજકારણથી કાયમી અંતર જાળવે છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ હની પટેલે સુરતમાં AAPનો ખેસ ધારણ કરતાં જ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો હતો. AAPમાં એન્ટ્રી કરતાં જ સોશિયલ મીડિયા પર હની પટેલના બિયરના ગ્લાસ ભરતા અને સિગારેટના કશ મારતા વીડિયો વાઈરલ થવા લાગ્યા હતાં. આ પહેલાં હાઇબ્રિડ ગાંજાના કેસમાં અમદાવાદ એરપોર્ટ પરથી હની પટેલની ધરપકડ થતાં બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જે મુદ્દો પણ હાલ ઊછળ્યો હતો.