
સુરત શહેરમાં ચર્ચાસ્પદ બનેલી સાત વર્ષની બાળકીની દીક્ષાનો મામલો હવે ફરી એકાએક ગરમાયો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, પિતાની કોર્ટમાં કરાયેલી અરજીને પગલે દીક્ષા પ્રક્રિયા અટકી છે, પરંતુ હવે આ કેસમાં માતાના પક્ષે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માતાના વકીલ કેતન રેશમવાલાએ સ્પષ્ટ કર્યું છે કે માતાએ પોતે જ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એફિડેવિટ કર્યું છે. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે, બાળકીની માતાએ પોતે જ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. આ એફિડેવિટમાં માતાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે અત્યારે પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા આપવા માંગતી નથી. આમ, દીક્ષા રોકાવા પાછળ કોઈ કાયદાકીય સ્ટે નહીં પરંતુ માતાની પોતાની અસંમતિ મુખ્ય કારણ છે.
વકીલ કેતન રેશમવાલાએ પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વકીલના જણાવ્યા અનુસાર, પિતાએ માતાને બદનામ કરવા અને ખોટી લોકપ્રિયતા મેળવવા માટે આ અરજી કરીને પબ્લિસિટી સ્ટંટ કર્યો છે. હકીકતમાં જ્યારે માતા પોતે જ દીક્ષાની વિરુદ્ધમાં એફિડેવિટ કરી ચૂકી છે, ત્યારે પિતા દ્વારા કરવામાં આવેલી અરજીનો કોઈ અર્થ રહેતો નથી. માતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પિતાની સંપૂર્ણ સંમતિ નહીં હોય ત્યાં સુધી દીક્ષાની પ્રક્રિયા આગળ વધશે નહીં. અથવા તો દીકરી પોતે પુખ્ત વયની 18 વર્ષની ન થાય અને પોતાનો નિર્ણય લેવા સક્ષમ ન બને ત્યાં સુધી તેને દીક્ષા આપવામાં આવશે નહીં. આ પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે કાયદાના આંગણે પહોંચ્યો છે. દીક્ષા મામલે થયેલી અરજી અને માતાની એફિડેવિટ બાદ હવે કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે. આ કેસની વધુ સુનાવણી આગામી 2 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે, જેમાં બાળકીના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય આવી શકે છે.