રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને દંડાથી મારવાના વીડિયો વાયરલ થયા બાદ માળી સમાજે SP કચેરીએ પહોંચીને ન્યાયની માંગ ઉઠાવી
આ ઘટનાને લઈને માળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને સમાજના લોકોએ એસપી કચેરી પહોંચીને પોલીસ કાર્યવાહી સામે રજૂઆત કરી છે.
શું છે સમગ્ર ઘટના?
ગત 20 ડિસેમ્બરની રાત્રે ભરત ચૌધરી અને તેનો મિત્ર નીતિન ચૌધરી પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલ પાસે ઊભા હતા. એ દરમિયાન અચાનક 20થી 25 લોકોનું ટોળું ત્યાં પહોંચી ગયું અને બંને યુવકો પર ધોકા તેમજ તલવાર જેવા હથિયારો વડે ઘાતક હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું.
હુમલાનું કારણ શું?
પોલીસ તપાસમાં ખુલ્યું કે, આ હુમલાના મૂળમાં પૈસાની લેતીદેતીનો વિવાદ હતો. ઇજાગ્રસ્ત નીતિન ચૌધરી અને મુખ્ય આરોપી ભાર્ગવ માળી વચ્ચે નાણાકીય ઝઘડો ચાલી રહ્યો હતો. આ અદાવતને કારણે ભાર્ગવ માળીએ પોતાના સાગરિતો સાથે મળી હુમલો કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને LCB અને SOG સહિતની ટીમો એક્શનમાં આવી હતી. પોલીસે આસપાસના લગભગ 2 હજાર CCTV ફૂટેજ તપાસ્યા, અનેક શંકાસ્પદોની પૂછપરછ કરી અને અંતે મુખ્ય આરોપી ભાર્ગવ માળી ઉર્ફે લાલો માળીને રાજસ્થાનમાંથી ઝડપી લીધો. અત્યાર સુધી કુલ છ આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી 8 દિવસના રિમાન્ડ મળ્યા હતા.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન વિવાદ
27 ડિસેમ્બરે પાલનપુર પોલીસે DySP, PI, PSI સહિતના પોલીસ કાફલા સાથે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આરોપીઓને જોઈને લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. આ સમયે પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં દંડાથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થતાં મામલો ગરમાયો છે.
માળી સમાજની રજુઆત
આ ઘટનાને લઈને માળી સમાજના લોકો મોટી સંખ્યામાં એસપી કચેરી પહોંચ્યા હતા. સમાજનું કહેવું છે કે, આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જાહેરમાં માર મારવો એ કાયદાનો ભંગ છે.

આરોપીની પત્નીનો આરોપ
મુખ્ય આરોપી ભાર્ગવ માળીની પત્ની કોમલ માળીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, “મારા પતિને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જ્યારે હજુ સુધી તે બાબત પુરવાર થઈ નથી. ગુનો કબૂલ કર્યો હોવા છતાં કોઈને જાહેરમાં માર મારવાનો અધિકાર નથી. લવ મેરેજના કારણે મામલાને વધુ ઉછાળવામાં આવી રહ્યો છે.”
આગળ શું?
એસપી કચેરીમાં કરાયેલી રજૂઆત બાદ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. હાલ કેટલાક આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે અને સમગ્ર કેસમાં તપાસ ચાલુ છે. આ ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.