કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 28 ડિસેમ્બર 2025 રવિવારના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવીથી ઓગણજ-શીલજ-આંબલી-શાંતિપુરા થઈ સનાથલ સાબરમતી નદી સુધી અંદાજીત ₹300 કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવેલી વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ એશિયામાં પ્રથમવાર માઈક્રો ટનલિંગ પદ્ધતિથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી.
અમિત શાહે આ કાર્યક્રમમાં જણાવ્યું છે કે, શહેરના નવ વોર્ડમાં રહેતા 15 લાખ લોકો 4500 કોલોનીના ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હતી. શૈલાથી લઈને ચાંદલોડિયા સુધી ગટરો ઊભરાતી હતી. આ દ્રશ્ય જોઈને ખરેખર કમકમાટી આવી જાય. કુલ 1200 કરોડનો ખર્ચ થશે પણ નદી જતી હોય એમ ગટરનું પાણી જશે. આ પાણી 15 લાખ લોકોના સ્વાસ્થ્ય પર અસર કરતું હતું. આ કામ આટલું જલ્દી થશે મને પણ વિશ્વાસ ન હતો. મને ખરેખર સંતોષ છે કે, 15 લાખની આબાદી એટલે શહેર કહેવાય. આખા શહેરની સમસ્યા દૂર કરી. હું ઉશ્કેરાઈને ફોન કરતો, ગુસ્સામાં ફોન કરતો પણ હંમેશા શાંતિથી કહેતા સાહેબ સમય પહેલા પતી જશે. આજે પતી ગયું. તમામને ખૂબ ખૂબ અભિનંદન.
અમિત શાહે અમદાવાદ શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટમાં 1200 એમ.એમ.,1800 એમ.એમ. તેમજ 2400/2500 એમ.એમ. વ્યાસની વિશાળ RCC પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી આશરે 8,125 મીટર લંબાઈની કામગીરી અદ્યતન માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી છે. એશિયામાં પ્રથમ વખત 2400/2500 એમ.એમ. વ્યાસની પાઇપ માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક અડચણ ઊભી કર્યા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.