
ગાંધીનગર આજે રાજ્યમાં સૌથી ઝડપી ગતિએ વિકસતું રિયલ એસ્ટેટ હબ બની રહ્યું છે. 2022-23 અને 2023-24ના વર્ષ દર વર્ષના તુલનાત્મક આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જ્યાં રાજ્યના મોટા શહેરોમાં પ્રોજેક્ટ નોંધણીમાં ઘટાડો અથવા સ્થિરતા જોવા મળી છે, ત્યાં ગાંધીનગરે 14 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે સમગ્ર રાજ્યમાં સર્વોચ્ચ છે. રેરાના અધિકૃત આંકડાઓ મુજબ, 2022-23માં ગાંધીનગરમાં 190 નવા પ્રોજેક્ટ નોંધાયા હતા, જે 2023-24માં વધીને 216 થયા છે. તેની સામે અમદાવાદમાં પ્રોજેક્ટ વૃદ્ધિ -4 ટકા રહી, વડોદરામાં -28 ટકા, સુરતમાં -0.3 ટકા, રાજકોટમાં માત્ર 4 ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સરેરાશ -19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ 216 નવા પ્રોજેક્ટોથી ગાંધીનગરમાં કુલ ₹16,160 કરોડનું રોકાણ થયું છે.
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-2 શરૂ થવાથી શહેરની પ્રાદેશિક કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી સુધારો આવ્યો છે. ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તરણ માટે ડિસેમ્બર 2025માં નવા ટેન્ડરો આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે મહાત્મા મંદિર–સચિવાલય રૂટ પર જાન્યુઆરી 2026થી મેટ્રો રેલ શરૂ થવાની છે. શહેરના મૂળભૂત માળખાને મજબૂત બનાવવા રાજ્ય સરકારે એપ્રિલ 2025માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹606.34 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ₹627 કરોડના 15 પ્રોજેક્ટો પૂર્ણતાની કગાર પર છે. ઉપરાંત, મે 2025માં ₹708 કરોડના વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણથી નાગરિક સુવિધાઓમાં મોટો સુધારો આવ્યો છે.
નગરમાં 55 ટકા પ્રોજેક્ટ 25 કરોડથી નીચેની કિંમતના છે જે એફોર્ડેબલ હાઉસીંગનો વ્યાપ દર્શાવે છે. 25થી 50 કરોડ સુધીના 20 ટકા પ્રોજેક્ટ છે. જ્યારે 10થી 12 ટકા પ્રોજેક્ટ 50થી 100 કરોડના, 8 ટકા પ્રોજેક્ટ 100 કરોડના છે. 216 પ્રોજેક્ટોમાંથી 115 કૉમર્શિયલ છે, જે બિઝનેસ અને ઓફિસ સ્પેસ આધારિત વિકાસને દર્શાવે છે. 81 રેસિડેન્શિયલ, 7 પ્લોટ ડેવલપમેન્ટ અને બાકીના મિક્સ્ડ યુઝ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ થકી કુલ 30,904 યુનિટનું નિર્માણ થશે.