હવે રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે ઃ FRC

Spread the love

 

રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા FRCએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી સ્કૂલની નિયત ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.
અમદાવાદ ઝોનની વાત કરીએ તો શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે. અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું. પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *