
રાજ્યભરમાં હવામાનમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં સવાર અને રાતના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. તો ક્યાંક લોકો વહેલી સવારે યોગા, કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ક્યાંક વધારો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.