
ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત ATSએ રાજસ્થાન SOG, જયપુર તથા સ્થાનિક પોલીસ સાથે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATSએ બાતમીના આધારે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનના ખેરથલ જિલ્લાના તિજારાના ભીવાડી ગામ સ્થિત RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma, પ્લોટ નં. H1/13(D)માં રેડ કરી હતી. આ ફેક્ટરીમાંથી કુલ 22 કિલો ગેરકાયદે બનાવવામાં આવેલો સાયકોટ્રોપિક પદાર્થો તેમજ અલ્પ્રાઝોલામના પ્રિકર્સર કેમિકલ અને અડધી પ્રક્રિયાવાળા પદાર્થો જપ્ત કરાયા છે. આ રેડ દરમિયાન અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પરસનાથ મૌર્ય અને કૃષ્ણકુમાર શ્રેય યાદવ સહિત ફેક્ટરીમાં કામ કરતાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને નશાના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા ATS દ્વારા કાર્યવાહી આગળ વધારવામાં આવશે.