કોરોના વાયરસની હાલ ભારતમાં બીજી લહેર ચાલી રહી છે, આવામાં ત્રીજી લહેરનો ખતરા અંગેની અગાહી કરવામાં આવી રહી છે. જેની વચ્ચે બ્લેક ફંગશનો ખતરો ઉભો થયો છે, જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ ચિંતા વ્યક્ત કરી છે. હર્ષવર્ધને કહ્યું કે બ્લેક ફંગસના જે કેસ સામે આવ્યા છે તેનાથી ચિંતા વધી છે. તેમણે કહ્યું કે દવાઓનું પ્રોડક્શન વધારવામાં આવ્યું છે, સાથે જ રાજ્યોને પણ બીમારી અંગે સૂચના આપવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેર પર ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે, એ વાતની ચર્ચા છે કે આવશે.. નહીં આવે.. ક્યારે આવશે.. તેના વિશે વિશ્વાસ સાથે કોઈ કશું કહી શકે તેમ નથી. એ વાતની ચર્ચા જરુર છે કે આવનારા સમયમાં વાયરસ વધારે મ્યુટેશન થશે તો બાળકોને પ્રભાવિત કરી શકે છે. માટે જરુરી છે કે બાળકોને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના વાયરસની હાલની સ્થિતિ અને વેક્સીનેશન પર ૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.
ડૉક્ટર હર્ષવર્ધને એ બાબત પર ધ્યાન આપ્યું કે, આપણે રસીકરણ વધારવાની જરુર છે. આપણી પાસે જે પણ ડોઝ ઉપલબ્ધ છે, તેને જલદીમાં જલદી લોકો સુધી પહોંચાડવાના છે. આવનારા સમયમાં દેશમાં રસીના પ્રોડક્શનમાં ઘણો વધારો થશે.તેમણે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું કે, કોરોનાના કેસ થોડા ઘટ્યા છે, ત્યાં બ્લેક ફંગસે ચિંતા વધારી દીધી છે. ઘણાં રાજ્યોમાં બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકાર તરફથી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેન્દ્ર તરફથી તમામ રાજ્યોને પત્ર લખીને બ્લેક ફંગસ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઘણાં રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૫૯,૫૯૧ નવા કેસ નોંધાયા છે, ૩,૫૭,૨૯૫ દર્દીઓ સાજા થયા છે અને ૪,૨૦૯ દર્દીઓના મોત થઈ ગયા છે.