
ગુજરાત સરકારના ગૃહ વિભાગના ખિસ્સાં કેલેન્ડર વર્ષ પૂરું થતાં જ ખાલી ખમ થઇ ગયાં છે. આ કારણોસર ડિસેમ્બર મહિનાનો જાન્યુઆરીમાં ચુકવાતો પગાર રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મોડો મળશે. રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વડાને આ હેતુસર પોલીસ ફોર્સના તમામ લોકોના પગારબિલ મોડા મોકલવા માટે મંજૂરી આપી છે.
આ અગાઉ 20 ડિસેમ્બરે પોલીસ વડાએ આ માટે ગૃહ વિભાગને એક પત્ર લખ્યો હતો તેના પ્રત્યુત્તરમાં ગૃહ વિભાગ તરફથી 24 ડિસેમ્બરે જણાવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે પગાર બિલ તિજોરી તથા હિસાબ અને પગાર અધિકારીની કચેરીમાં નિયત સમય મર્યાદામાં મોકલી શકાય તેમ નહીં હોવાથી આ પગાર બિલ વિલંબથી મોકલવાની મંજૂરી આપવામાં આવે છે.
આ અનુસંધાને 30 ડિસેમ્બરે રાજ્ય પોલીસ વડાની કચેરી તરફથી પોતાના તાબા હેઠળના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ અંગેની જાણ કરતો પત્ર લખવામાં આવ્યો છે. આથી હવે આખાં ગુજરાતના એક લાખથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો પગાર જાન્યુઆરી માસમાં વિલંબથી ચુકવાશે. સામાન્ય રીતે આ પગાર મોડામાં મોડું મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં થઇ જતો હોય છે. જો કે હાલ આ પગાર કેટલો વિલંબથી ચુકવાશે તે અંગેની સ્પષ્ટતા થઇ નથી.
ગુજરાત સરકારના બજેટના પત્રક પરથી તારવાયેલી વિગત અનુસાર ચાલું નાણાંકીય વર્ષમાં પોલીસના વિવિધ વિભાગો તથા એકમોમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓના પગાર પેટે 2384.41 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી.
હજુ ચાલું નાણાંકીય વર્ષને પૂર્ણ થવામાં ત્રણ મહિના બાકી છે ત્યાં જ આ સ્થિતિ સર્જાઇ છે. આનો અર્થ એ પણ થઇ શકે કે પગાર ખર્ચ પેટે ફાળવાયેલી રકમ ત્રણ મહિના પહેલાં જ પૂરેપૂરી વપરાઇ ગઇ હોઇ શકે. જો કે આ નાણાંકીય ગેરરીતિ નથી પરંતુ અશિસ્ત ચોક્કસ ગણી શકાય. પગાર મોડો મળવાને કારણે પોલીસને મકાન-વાહન સહિતની લોનના હપ્તા અને બાળકોની ફી કે વીમાના પ્રિમીયમ ભરવાને લઇને મુશ્કેલી સર્જાઇ શકે છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ,”પોલીસનો પગાર અટકવો એ સરકારનો દેવાળિયા વહીવટનો વધુ એક પુરાવો છે. ગુજરાત પર 4 લાખ કરોડનું દેવું છે, ત્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સાચવવા કામ કરતી પોલીસનો પગાર મોડો થશે. પોલીસના પગારની ગ્રાન્ટનો અભાવ કેવી રીતે આવ્યો? તિજોરી પરનું ભારણ કેવી રીતે વધી ગયું? તે હું સરકાર ને સવાલ કરું છું”.
“ગ્રાન્ટ નથી” એટલે શું, કેમ આવું થયું હોઇ શકે?ઃપોલીસ વિભાગના સંબંધિત હેડ ઓફ અકાઉન્ટ હેઠળ તે મહિનાની મંજૂર રકમ સમયસર ઉપલબ્ધ નહોતી. દરેક મહિને સરકારની મુખ્ય તિજોરી કચેરી તરફથી સંબંધિત કચેરીઓની પગાર અને હિસાબની ઓફિસમાં ગ્રાન્ટ ફાળવાય છે તેને આધારે પગાર ચુકવાય છે.
આ રકમ નાણાં વિભાગ હસ્તકની તિજોરી કચેરી તરફથી જે-તે બજેટ હેડ હેઠળ જ ચુકવાય છે. પરંતુ મૂળભૂત હેડ હેઠળ ફાળવાતી રકમ અન્ય હેડ હેઠળ ફાળવાઇ ગઇ હોય ત્યારે આવું બને છે. એટલે કે પગારની રકમ જે-તે વિભાગે અન્ય હેતુ પાછળ ખર્ચી નાંખી. પોલીસના પગારની રકમ વીઆઇપી સુરક્ષા, કોઇ ઉત્સવ અથવા સુરક્ષા ડ્યૂટી સહિતની બાબતોમાં ખર્ચ થઇ ગઇ હોવાની સંભાવના છે.
બજેટમાં હેડ હેઠળ ફાળવાયેલી રકમથી વધુ નાણાંના બિલ મુકાય તો આધુનિક IFMS સિસ્ટમ આપોઆપ આ બિલ બ્લોક કરી દે છે તેથી નવી ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી બિલ મુકી શકાય નહીં. જૂની પ્રણાલી કમ્પ્યુટરાઇઝ્ડ ન હોવાથી તેમાં બિલ મુકી શકાતા હતા.
પરંતુ નવી સિસ્ટર અમલી હોવાથી જ્યાં સુધી અન્ય હેડ હેઠળની રકમ ડાઇવર્ટ કરીને કે અન્ય વિકલ્પના ભાગરૂપે ગ્રાન્ટ સ્વરૂપે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પગાર ચુકવી શકાય નહીં. આ ખર્ચાઇ ગયેલી રકમ આવતા બજેટમાં પૂરક વિનિયોગ દ્વારા મંજૂર કરવામાં આવશે.