
કલોલ તાલુકાના ભાડજથી રણછોડપુરા જવાના રોડનું રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા હાથ રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે ભાડજ-રણછોડપુરા તરફનો આ 5 કિ.મી લંબાઈ ધરાવતો માર્ગ નવો બન્યા બાદ વાહન ચાલકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને હરેકૃષ્ણ મંદિરે જનારા દર્શનાર્થીઓને પણ સારા રસ્તાથી રાહત મળશે. કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ના હસ્તે બુધવારે ભાડજ–રણછોડપુરા જોઈનિંગ કલોલ–સાણંદ રોડને વિકાસની નવી ઊંચાઈ આપતા ૫ કિમી લંબાઈના માર્ગને રૂ. 6 કરોડના ખર્ચે 10 મીટર પહોળો બનાવવાના મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમૂહુર્ત કરાયું હતું. ધારાસભ્ય લક્ષ્મણજી દ્વારા વિસ્તારના રોડ–રસ્તાના વિકાસ માટે લેવાતી પહેલના પરિણામે આ માર્ગ પૂર્ણ થતાં વિસ્તારના વાહનવ્યવહારને વધુ સુગમ, સુરક્ષિત અને ગતિશીલ બનાવશે તથા ગ્રામ્ય વિકાસને નવી દિશા અને ગતિ મળશે. આ પ્રસંગે સાંતેજ જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિજી ઠાકોર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર, સાંતેજ તાલુકા પંચાયત સીટના સદસ્ય ચેતનજી ઠાકોર, સરપંચ સન્નીભાઈ શાહ, હરે કૃષ્ણ મંદિરના મહંત તથા મો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.