
વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં એક ચાલીના રૂમમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. નવા વર્ષની પ્રથમ સવારે બનેલી આ ઘટનામાં એક દંપતીનો આબાદ બચાવ થયો હતો. ગોકુલધામ સોસાયટીની ચાલીમાં રહેલું દંપતી વહેલી સવારે રસોઈ બનાવી રહ્યું હતું. તે સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રૂમના દરવાજાના ટુકડા થઈ ગયા હતા. બ્લાસ્ટ બાદ દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેઓ થોડી જ ક્ષણોમાં સુરક્ષિત રીતે રૂમમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અગ્રણીઓ તાત્કાલિક શ્રમિક પરિવારની મદદ માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.