
સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેમતનગર ચાર રસ્તા પાસે ગત ઓક્ટોબર માસમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે વ્યક્તિએ ઘાયલ યુવાનને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, તે પોતે જ તેનો હત્યારો હતો. પોલીસે આરોપી મિત્ર ગણેશ પોલયની ઓડિશાથી ધરપકડ કરી છે. મોબાઈલ ઝૂંટવવાની લાયમાં યુવાને જીવ ગુમાવ્યો હતો.
14 ઓક્ટોબર 2025ના રોજ રહેમતનગરના ખુલ્લા મેદાનમાંથી 30 વર્ષીય સાહિલ રફીક શાહની લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, તેને લાકડાના બોથડ હથિયારથી માર મારવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે ચોકબજાર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ દરમિયાન વિસ્તારના અનેક એમ્બ્રોડરીના ખાતાઓમાં પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી કે, મૃતક સાહિલ અને ત્યાં જ કામ કરતા ગણેશ નામના યુવાન વચ્ચે અગાઉ ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાતમીના આધારે પોલીસે વેડ રોડ પર રહેતા 20 વર્ષીય ગણેશ ચંદ્રશેખર પોલયની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.
આરોપી ગણેશે કબૂલાત કરી હતી કે, તે રાત્રે જ્યારે પટેલ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઊભો હતો, ત્યારે તેનો મિત્ર સાહિલ અચાનક ત્યાં આવ્યો હતો. સાહિલે ગણેશના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ તકરાર એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી અને ઉશ્કેરાયેલા ગણેશે નજીકમાં પડેલો લાકડાનો ફટકો સાહિલના માથા અને શરીરના ભાગે ઝીંકી દીધો હતો.
ગંભીર રીતે ઘાયલ થયા બાદ સાહિલ ત્યાંથી ભાગીને ખુલ્લા મેદાનમાં જઈને પડી ગયો હતો. આરોપી ગણેશ તે સમયે ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ વહેલી સવારે જ્યારે તેણે જોયું કે સાહિલ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે, ત્યારે તે ગભરાઈ ગયો હતો. પોતે પકડાઈ ન જાય અને કોઈને શંકા ન જાય તે માટે તેણે એક શાતિર ચાલ ચાલી અને મદદગાર હોવાનો ઢોંગ કરી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલું સાધન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી ગણેશ મૂળ ઓડિશાનો વતની છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. મિત્રતા અને પરિચય હોવા છતાં ક્ષણિક આવેશમાં આવીને કરવામાં આવેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.