રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સહિતના જિલ્લાઓમાં અસંખ્ય આંબાઓ જમીનદોસ્ત બન્યા હતા. અને કૃષિ ક્ષેત્રે અગણિત નુકશાન ખેડુતોને વેઠવું પડ્યુ છે. સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે. તૈજેતરમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને લોકોના ખબર-અંતર પૂછીને વધુ સહાય આપવાની સરકારને રજુઆત પણ કરી હતી. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના પ્રવાસે જઇ રહ્યા છે. પાટિલ પણ ખેડુતોને મળીને સાંત્વના આપશે. અને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ફરિયાદો પણ સાંભળશે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. કોરોનાની મહામારીમાં પણ દર્દીઓને બેડ ન મળવા ઓક્સિજનના બાટલાં ન મળવા, ઈન્જક્શન ન મળવા વગેરેને લઈને લોકોની ભાજપ સામે નારાજગી ઊભી થઈ હતી. એમાં યે વાવાઝોડા બાદ સરકાર દ્વારા કેટલુ પેકેજ જાહેર કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. આથી પાટિલ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાત લઈને મલમ-પટ્ટા લગાવવાનું કાર્ય કરશે. ભાજપના કાર્યકર્તાઓને પણ અસરગ્રસ્તોની મદદ કરવાનું આહ્વાન કરશે. ઉપરાંત કહેવાય છે કે, પાટિલ 2022ના અંતમાં આવનારી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જઇને લોકોને મળીને તેમનો મૂડ જાણવાનો પણ પ્રયાસ કરશે. હાલ કોરોના સંક્રમણની મહામારીને લઇને લોકોનું સેન્ટિમેન્ટ ખરાબ છે, જેનો તકાજો લેવા માટે પાટિલ અત્યારથી તૈયારીના ભાગરૂપે આ વિસ્તારોની મુલાકાત લેશે. પછી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પ્રવાસ કરશે. પાટિલના આ પ્રવાસ દરમિયાન ભાજપનો બક્ષીપંચ મોરચો અસરગ્રસ્તોને રાહતની કિટ વહેંચવા જઇ રહ્યો છે. આ કિટના માધ્યમથી પાટિલ સામાન્ય લોકોની નજીક જવાનો પ્રયાસ કરશે.