ગાંધીનગરનો ઇન્દ્રોડા રોડ રક્તરંજિત

Spread the love

 

 

રાજ્યના પાટનગરમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. આજે મોડી સાંજે ગાંધીનગરના જાણીતા પ્રવાસન સ્થળ સરિતા ઉદ્યાન નજીક ઇન્દ્રોડા રોડ પર બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માતમાં બે યુવકે જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને માર્ગ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, મોડી સાંજે ઇન્દ્રોડા રોડ પરથી પસાર થતા બે બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. 108 ઇમરજન્સી સેવાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં વિજય કનુભાઈ ચાવડા નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર સવાર જગદીશ ભૂપતભાઈ ડાભી અને એક મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, જગદીશભાઈની હાલત અત્યંત નાજુક છે અને તેઓ અત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે ઇન્દ્રોડાથી સરિતા ઉદ્યાન તરફ જતો આ માર્ગ વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાતા રહે છે. ભૂતકાળમાં પણ અનેક જીવલેણ દુર્ઘટનાઓ અહીં બની ચૂકી છે. આ માર્ગ પર વાહનોની ગતિને અંકુશમાં લેવા માટે સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી રહીશો દ્વારા વારંવાર કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આજે ફરી એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બંને બાઈક કોણ ચલાવતું હતું અને અકસ્માત પાછળ કોની બેદરકારી જવાબદાર છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *